Gujarat Monsoon 2026 : ગુજરાતમાં 207 જળાશયોમાં 54%થી વધુ જળસંગ્રહ, 13 ડેમ ઓવરફ્લો, 21 હાઈ એલર્ટ

Gujarat Monsoon 2026 : ગુજરાતમાં 207 જળાશયોમાં 54%થી વધુ જળસંગ્રહ, 13 ડેમ ઓવરફ્લો, 21 હાઈ એલર્ટ

ગુજરાતમાં ચાલુ ચોમાસા દરમિયાન પડી રહેલા વ્યાપક વરસાદને કારણે રાજ્યના જળાશયોમાં સતત નવા નીરની આવક થઈ રહી છે. જળસંપત્તિ વિભાગના 27 જુલાઈના અહેવાલ મુજબ રાજ્યના 207 જળાશયોમાં કુલ 54 ટકાથી વધુ જળસંગ્રહ નોંધાયો છે. રાજ્યના 13 ડેમ સંપૂર્ણ ભરાઈને ઓવરફ્લો થયા છે, જ્યારે 21 ડેમને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.

રાજ્યની જીવાદોરી ગણાતા સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલમાં 2,31,342 MCFT પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જે તેની કુલ સંગ્રહ ક્ષમતાના 69.25 ટકા જેટલો છે. ડેમમાં હાલમાં 3,232 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. નર્મદા ડેમ સિવાય રાજ્યના અન્ય 206 મુખ્ય જળાશયોમાં કુલ 2,53,336 MCFT પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જે તેમની કુલ સંગ્રહ ક્ષમતાના 45.41 ટકા જેટલો છે. નોંધનીય છે કે, ગત વર્ષે આ જ દિવસે રાજ્યના જળાશયોમાં 61 ટકાથી વધુ જળસંગ્રહ નોંધાયો હતો.

જળસંપત્તિ વિભાગના અહેવાલ મુજબ રાજ્યના 13 ડેમ 100 ટકા ભરાઈ ચૂક્યા છે, જ્યારે 26 ડેમમાં 90થી 100 ટકા, 28 ડેમમાં 50થી 70 ટકા, 55 ડેમમાં 25થી 50 ટકા અને 84 ડેમમાં 25 ટકાથી ઓછો જળસંગ્રહ નોંધાયો છે.

સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા 21 ડેમ માટે હાઈ એલર્ટ, 5 ડેમ માટે એલર્ટ અને 13 ડેમ માટે વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના દમણગંગા ડેમમાં સૌથી વધુ 27,412 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે, જ્યારે 37,000 ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવી રહ્યું છે. બીજી તરફ ઉકાઈ ડેમમાં હાલમાં 11,689 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.

વિભાગવાર જળસંગ્રહની સ્થિતિ જોઈએ તો મધ્ય ગુજરાતના 17 ડેમમાં 50 ટકાથી વધુ, સૌરાષ્ટ્રના 141 ડેમમાં 47 ટકાથી વધુ, દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 45 ટકા, ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 39 ટકાથી વધુ અને કચ્છના 20 ડેમમાં 25 ટકા જળસંગ્રહ નોંધાયો છે.

હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી હોવાથી જળાશયોમાં પાણીની આવકમાં વધુ વધારો થવાની શક્યતા છે. જેના પગલે તંત્રે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને ડેમમાંથી પાણી છોડવામાં આવે ત્યારે સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે.

વધુ સમાચાર માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *