
જગદંબાના કલ્યાણકારી સ્વરૂપો
લેખક : પ્રજ્ઞાચક્ષુ કથાકાર ડૉ. કૃણાલ જોષી
શ્રીમદ્ દેવી ભાગવતના સપ્તમ સ્કંધમાં જગદંબાના કલ્યાણકારી સ્વરૂપોનું વર્ણન કર્યું છે. દુર્ગમ નામના દૈત્યએ બ્રહ્માજી પાસેથી વેદો માંગ્યા. આ દૈત્યએ વેદો એટલા માટે માંગ્યા કે તેના મનમાં થયું કે, ઋષિ મુનિઓ યજ્ઞ કરે છે અને એ યજ્ઞની આકૃતિ દેવો સુધી પહોંચે છે અને દેવોને શક્તિ પ્રાપ્ત થાય છે માટે વેદ માંગી આ દૈત્યએ યજ્ઞ કાર્ય બંધ કરાવ્યું. યજ્ઞો બંધ થયા એટલે દુષ્કાળ પડયો. દુષ્કાળના સમયે દેવો જગદંબાના શરણે ગયાં. તે સમયે માતા જગદંબાએ પોતાના નેત્રોથી જળ વર્ષા વરસાવી. માતાજી નવ-નવ રાત સુધી જળ સ્વરૂપે વરસ્યાં એટલે માતાજી સતાક્ષી કહેવાયાં. એ માતા જગદંબા શાકભાજી સ્વરૂપે વરસ્યાં એટલે માતાજીનું નામ શાકંભરી પડયું. પણ જીવન નિર્વાહ માટે અન્ન પણ જોઈએ. માટે માતાજી અન્ન સ્વરૂપે વરસ્યાં એટલે માતા અન્નપૂર્ણા કહેવાયાં.

અન્નપુર્ણા માતાજીની જેના ઉપર કૃપા થાય એના અન્નના ભંડાર ભરપુર રહે છે. અન્નપૂર્ણા માતાજી કાશીમાં બિરાજમાન છે અને ભક્તોના મનોરથો પૂર્ણ કરવાવાળા છે. શ્રીમદ્ દેવી ભાગવતના એકાદશ સ્કંધમાં એક કથા એવી છે કે, બૃહદરથ નામનો રાજા હતો. આ રાજાનું રાજ્ય માતાજીની કૃપાથી સમૃદ્ધ હતું. એક દિવસ બૃહદરથ રાજાને ઋષિ મૂનિઓએ પૂછ્યું કે તારું રાજ્ય સમૃદ્ધ કેમ છે ? માતા જગદંબાની કૃપાથી બૃહદરથ રાજાને પૂર્વ જન્મની સ્મૃતિ થઈ. તેણે કહ્યું કે, ‘હે ઋષિમૂનિઓ ! હું પૂર્વ જન્મમાં ચકવી નામનું પક્ષી હતો. એ સમયે હું કાશીમાં આવ્યો અને મેં અજાણતા જ અન્નપૂર્ણા માતાજીના દર્શન કર્યાં. માત્ર દર્શન કર્યાં એટલું જ નહીં મેં મંદિરની પ્રદક્ષિણા પણ કરી. એ પ્રદક્ષિણા કરવાથી મારો પક્ષીનો દેહ છુટ્યો અને અન્નપૂર્ણા માતાજીની કૃપાથી મને રાજય મળ્યું.’ માની કૃપા થાય તો શું ન મળે ! એટલે જ કહ્યું કે, અન્નપૂર્ણ સદાપૂર્ણ શંકર પ્રાણ વલ્લભે, જ્ઞાન વૈરાગ્ય સિદ્ધયર્થમ, ભિક્ષાન દેહ ચ પાર્વતી.
અન્નપૂર્ણા માતાજી અન્નના ભંડારો તો આપે જ છે, પણ સાથે સાથે જ્ઞાન-વૈરાગ્યની ભિક્ષા આપવાવાળા પણ છે. આ જગદંબાનું કલ્યાણકારી સ્વરૂપ છે. એ પછી દૂર્ગમ દૈત્યનો વધ કરવા માટે માતા જગદંબાએ ૧૦ મહા વિદ્યાઓનું પ્રાગટ્ય કર્યું. જેમાં મહાકાલી માતાજી, તારાદેવી, બાળ ભૂવનેશ્વરી, શ્રી વિઘેશ્વરી સોડશી, છીન્નમસ્તકા, બગલામુખી, ભૈરવી દેવી, માતંગી, કમલા દેવી અને ધુમાવતી. આ દસ મહા વિદ્યાઓએ દુર્ગમ દૈત્યના સૈન્યનો નાશ કરી જગતનું કલ્યાણ કર્યું. ૧૦ મહા વિદ્યાના સ્વરૂપો જીવનમાં ઘણું બધું સમજાવે છે.
ઉદાહરણ રૂપે ધુમાવતી માતાજી – આ સ્વરૂપમાં માતાજી નારી ઘર્મને સમજાવે છે. જે સ્ત્રીએ પતિનું છત્ર ગુમાવ્યું હોય તેવી સ્ત્રીઓએ પોતાના જીવનમાં ધર્મનું પાલન કેવી રીતે કરવું એ ધુમાવતી માતાજીએ સમજાવ્યું છે. દુર્ગમ દૈત્યનો નાશ કરવા માટે સ્વયં જગદંબાએ પોતાના ધનુષ્ય ઉપર પ્રત્યેચા ચઢાવી ૧૫ બાણો છોયાં. દુર્ગમ દૈત્યનો વધ કર્યો એટલે માતા જગદંબા દુર્ગા કહેવાયા. તો આવા શક્તિના કલ્યાણકારી સ્વરૂપો છે. જે સ્વરૂપો દ્વારા જીવનમાં કંઈક શિક્ષણ પ્રાપ્ત થાય છે. શક્તિ નિર્ગુણા છે પણ ભક્તજનો માટે થઈને સગુણા થયા છે અને એટલે જ ભગવતીની ઉપાસના ત્રણેય દેવોએ કરી છે. માટે કહ્યું કે, મહાદેવ, વિષ્ણુ, તારો મહિમા વખાણે, ભવાની તણો પાર બ્રહ્મા ન પામે, સદા જોગ જોગેશ્વરો ચિત્ત રાજે, ભજો શ્રી ભવાની સદાજે બીરાજે.
આમ, દેવોએ પણ શક્તિની ઉપાસના કરી હોય તો આપણે પણ શક્તિની ઉપાસના કરવી જોઈએ. માતા સતાક્ષી, અન્નપૂર્ણા, દસ મહાવિદ્યાઓ અને માતા દુર્ગા એ જગતનું કલ્યાણ કરવાવાળા છે. દુર્ગાનું સ્મરણ કરવાથી ક્યારેય દુર્ગતિ થતી નથી. માટે જ કહ્યું કે, દુબુદ્ધિને દુર કરી સદબુદ્ધિ આપો મામ પાહીઓ ભગવતી ભવ દુઃખ કાપો. જગત જનનીની કૃપા દ્રષ્ટિ આપણા સૌ ઉપર રહે એ જ અભ્યર્થના साथे…अस्तु !.
