BJP નરેશ દેસાઈને ગુજરાત ભાજપ યુવા મોરચાની કમાન સોંપાઈ:

BJP નરેશ દેસાઈને ગુજરાત ભાજપ યુવા મોરચાની કમાન સોંપાઈ

બે ટર્મથી મહામંત્રી તરીકે કાર્યરત નરેશ દેસાઈની પ્રમુખપદે નિમણૂક; ABVPથી શરૂ થઈ હતી રાજકીય સફર

અમદાવાદ: ગુજરાત ભાજપના સંગઠનમાં મહત્વપૂર્ણ નિમણૂક કરવામાં આવી છે. પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડૉ. નરેશ દેસાઈને ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે. 15 ઓક્ટોબર, 2026ના રોજ જાહેર કરાયેલા સત્તાવાર નિમણૂકપત્ર મુજબ, તેમની નિમણૂક તાત્કાલિક અસરથી અમલમાં આવશે. છેલ્લા બે ટર્મથી યુવા મોરચામાં મહામંત્રી તરીકે સંગઠનની જવાબદારી નિભાવતા નરેશ દેસાઈને હવે પ્રમુખપદની મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે.

ABVPથી શરૂ થઈ રાજકીય સફર

ડૉ. નરેશ દેસાઈની રાજકીય સફરની શરૂઆત અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)થી થઈ હતી. અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી ખાતે તેઓ વિદ્યાર્થી સંગઠનની પ્રવૃત્તિઓમાં સક્રિય રહ્યા હતા. વિદ્યાર્થીલક્ષી વિવિધ પ્રશ્નોને લઈને તેમણે પોતાની ટીમ સાથે અનેક આંદોલનોમાં ભાગ લીધો હતો. વિદ્યાર્થીકાળથી જ સંગઠનાત્મક કામગીરીમાં સક્રિય રહેલા નરેશ દેસાઈએ ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચામાં વિવિધ જવાબદારીઓ નિભાવી હતી.

બે ટર્મથી મહામંત્રી તરીકે કાર્યરત

નરેશ દેસાઈ છેલ્લા બે ટર્મથી ગુજરાત ભાજપ યુવા મોરચામાં મહામંત્રી તરીકે કાર્યરત હતા. સંગઠનમાં મહામંત્રી તરીકે કામગીરી કર્યા બાદ હવે તેમને પ્રદેશ પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી છે. યુવા મોરચાના અગાઉના પ્રમુખ ડૉ. હેમાંગ જોષી રાષ્ટ્રીય સ્તરે જવાબદારી સંભાળવા ગયા બાદ ખાલી પડેલા પ્રમુખપદ પર નરેશ દેસાઈની નિમણૂક કરવામાં આવી છે.

જગદીશ વિશ્વકર્માએ સોંપી જવાબદારી

પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પ્રદેશના આગેવાનો સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ આ નિમણૂક કરી હોવાનું જણાવાયું છે. નરેશ દેસાઈની નિમણૂક સાથે હવે ગુજરાત ભાજપના યુવા સંગઠનની કમાન તેમના હાથમાં રહેશે.

આગામી સમયમાં યુવાનોને પક્ષના સંગઠન સાથે જોડવા, વિદ્યાર્થીલક્ષી પ્રશ્નોને વાચા આપવા તેમજ ભાજપના વિવિધ કાર્યક્રમો અને સંગઠનાત્મક પ્રવૃત્તિઓમાં યુવા મોરચાની ભૂમિકા વધુ મજબૂત બનાવવાની જવાબદારી તેમના પર રહેશે. ABVPથી શરૂ થયેલી તેમની સંગઠનાત્મક સફર હવે ગુજરાત ભાજપ યુવા મોરચાના પ્રદેશ પ્રમુખપદ સુધી પહોંચી છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *