
વડોદરામાં એસઓજી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે.
એસઓજીની ટીમે શહેરના તાંદળજા વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટમાંથી રૂ.29.20 લાખના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીની ધરપકડ કરી છે. જ્યારે એક આરોપીને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ આદરી છે. બંને આરોપીઓ ભૂતકાળમાં પણ નશીલા પદાર્થ સાથે ઝડપાયેલા છે.
માહિતી મુજબ, વડોદરા એસઓજી ટીમને બાતમી મળી હતી કે, શહેરના તાંદળજા વિસ્તારમાં આવેલા અસ્માક એપાર્ટમેન્ટમાં રહેતા મેયમ પઠાણ નામના વ્યક્તિના ઘરમાં મુંબઈથી એક શખ્સ ડ્રગ્સનો જથ્થો લઈને આવ્યો છે. આથી બાતમીના આધારે એસઓજી ટીમે વોચ ગોઠવી હતી અને દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન ટીમે રૂ.29.20 લાખના એમડી ડ્રગ્સના જથ્થા સાથે 2 શખ્સોની ધરપકડ કરી હતી. પૂછપરછમાં આરોપીઓના નામ ઈમરાન પઠાણ અને સલીમ ઈમ્તિયાઝ શેખ હોવાનું ખુલ્યું હતું. ઉપરાંત, એક નાઇઝિરિયન વ્યક્તિ દ્વારા આ ડ્ર્ગ્સના જથ્થાની હેરાફેરી થતી હોવાનું સામે આવ્યું છે. એસઓજી દ્વારા આ મામલે એક આરોપીને વોન્ટેડ જાહેર કરાયો છે.
ડ્રગ્સ સહિત 32.20 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો
આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું કે, ઈમરાન પઠાણ છેલ્લા દોઢ માસથી મુંબઈથી ડ્રગ્સ લાવીને વડોદરામાં હેરાફેરી અને વેચાણની પ્રવૃતિ કરતો હતો. દરમિયાન અસફાક એપાર્ટમેન્ટમાં પણ ડ્રગ્સની ડિલિવરી કરવા આવ્યો હતો. જ્યારે સલીમ શેખ મહારાષ્ટ્રના થાણેમાં આવેલા મુંબ્રાનો રહેવાસી છે અને તે પણ ડ્રગ્સની હેરાફેરીમાં સામેલ હતો. એસઓજી દ્વારા ડ્રગ્સ સહિત 32.20 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો છે. સાથે જ વોન્ટેડ આરોપીને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.