
અંજાર-ગાંધીધામના વેપારીઓને વિશ્વાસમાં લઈ ચેકથી માલ ખરીદીને નાણાંની ટોપી ફેરવતી ત્રિપુટીને પોલીસે દબોચી લીધી છે. આરોપી સામે તાજેતરમાં જ અંજાર અને ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે ચીટીંગની ત્રણ અલગ અલગ ફરિયાદો નોંધાઈ હતી.
ફરિયાદો નોંધાયા બાદ એલસીબી અને ગાંધીધામ એ ડિવિઝન પોલીસે અમર કેશવલાલ મિરાણી (ઠક્કર) (ઉ.વ.42), ઉમેશ શીતલદાસ લાલવાણી (ઉ.વ.37, બંને રહે. જૂની પંદરવાડી) અને વિનોદ હરીરામ દુબે (ઉ.વ.61, રહે. ગુરુકૂળ, ગાંધીધામ)ને ઝડપી પાડ્યાં છે.
આ ત્રિપુટીએ ગાંધીધામમાં બે ઈન્વર્ટર અને દોઢસો એમ.એચ.ની બે બેટરી ખરીદી 34800 રૂપિયાનો ચેક આપ્યો હતો. ત્રિપુટીએ બીજા દિવસે વધુ માલ લેવાના બહાને છકડાવાળાને ફરી દુકાને મોકલેલો પરંતુ ચેકમાં છકડાવાળાએ સહી કરી હોવાની શંકા જતાં દુકાનદારે માલ પરત ઉતરાવી લીધો હતો. બાદમાં ચેક બેન્કમાં વટાવતાં તે બાઉન્સ થયો હતો. એ જ રીતે, આ ટોળકીએ ગાંધીધામની ઈલેક્ટ્રીક દુકાનમાંથી 30 પંખા ખરીદી 39 હજારનો ચેક આપ્યો હતો. જે બાઉન્સ થયો હતો. તો, અંજારમાં પણ એક દુકાનેથી 30 પંખા ખરીદી ત્રિપુટીએ 52 હજારની ટોપી ફેરવી હતી. અંજારના દુકાનેદાર જોડે ચોરી ઉપર સીનાજોરી કરતા હોય તેમ અમર નામના શખ્સે તારા ત્રાસથી હું આપઘાત કરીશ ને ચિઠ્ઠીમાં તારું નામ લખીશ તેવી ધમકી આપેલી.