Rajkot રાજકોટમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટી પર પોલીસનો દરોડો, 76 લોકો ઝડપાયા

Rajkot રાજકોટમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટી પર પોલીસનો દરોડો, 76 લોકો ઝડપાયા

Rajkot દિવાળીના તહેવાર વચ્ચે રાજકોટમાં બર્થ-ડે પાર્ટીના નામે યોજાયેલી દારૂ પાર્ટીનો પોલીસે પર્દાફાશ કર્યો છે. કાલાવડ રોડ પર આવેલી સરાઝા હોટેલમાં 31 ઓક્ટોબરની મધરાતે LCB ઝોન-2ની ટીમે દરોડો પાડ્યો હતો. ડેકોરા ગ્રુપના માલિક ચિરાગ અરવિંદ પટેલના જન્મદિવસની ઉજવણી નિમિત્તે આ પાર્ટી યોજાઈ હોવાનું સામે આવ્યું છે.

Rajkot પોલીસની પ્રાથમિક વિગતો મુજબ, પાર્ટીમાં 43 પુરુષ અને 33 મહિલા સહિત કુલ 76 લોકો હાજર હતા. સ્થળ પરથી વિદેશી દારૂની બોટલો મળી આવતાં પોલીસે 38 લોકો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.

Rajkot વીડિયો સામે આવતાં પોલીસનો દરોડો

મળતી માહિતી મુજબ, 31 ઓક્ટોબરની રાત્રે સરાઝા હોટેલમાં દારૂ પાર્ટી ચાલી રહી હોવાનો વીડિયો સામે આવ્યા બાદ પોલીસ સક્રિય થઈ હતી. રાત્રે આશરે 1 વાગ્યે LCB ઝોન-2ની ટીમે હોટેલમાં ઓચિંતો દરોડો પાડ્યો હતો. પોલીસની એન્ટ્રી થતાં જ પાર્ટીમાં હાજર લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. હોટેલના પાર્કિંગમાં મોંઘીદાટ લક્ઝરી કારની લાંબી લાઈન પણ જોવા મળી હતી.

Rajkot મહિલાઓને મેડિકલ તપાસ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાઈ

પોલીસની કાર્યવાહી દરમિયાન હોટેલની લાઈટો બંધ કરી દેવામાં આવી હોવાની વિગતો પણ સામે આવી છે. પાર્ટીમાં હાજર 33 મહિલાઓને મેડિકલ તપાસ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. આ દરમિયાન કેમેરામાં ઓળખ છતી ન થાય તે માટે કેટલીક મહિલાઓએ ટેબલ અને ખુરશીનાં કવરથી મોઢું ઢાંક્યું હોવાની વિગતો સામે આવી છે.

Rajkot 11 જેટલી દારૂની બોટલો મળી

પોલીસે આપેલી પ્રાથમિક માહિતી અનુસાર, હોટેલમાં તપાસ દરમિયાન ટેબલ પર મૂકેલા ગ્લાસમાં દારૂ ભરેલો જોવા મળ્યો હતો. સ્થળ પરથી અલગ-અલગ બ્રાન્ડની 750 MLની આશરે 11 ખાલી અને ભરેલી વિદેશી દારૂની બોટલો કબજે કરવામાં આવી હતી. દારૂ સિવાય અન્ય કોઈ નશાકારક પદાર્થ મળી આવ્યો ન હોવાનું પોલીસે જણાવ્યું છે.

આ કેસમાં કુલ 38 લોકો સામે ગુનો નોંધાયો છે, જેમાં પાર્ટીમાં સામેલ 35 વ્યક્તિઓ અને હોટેલ મેનેજર સહિત ત્રણ સર્વિસ સ્ટાફનો સમાવેશ થાય છે.

Rajkot 92થી વધુ લોકોનાં બ્લડ સેમ્પલ લેવાયા

પોલીસે આ કેસમાં 92થી વધુ વ્યક્તિઓનાં બ્લડ સેમ્પલ એકત્ર કરાવ્યાં હોવાનું જાણવા મળ્યું છે. મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ કેટલા લોકોએ દારૂનું સેવન કર્યું હતું તે અંગે વધુ સ્પષ્ટતા થશે. હાલ પોલીસ હોટેલનાં CCTV ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે તપાસ કરી રહી છે. હોટેલ મેનેજમેન્ટની ભૂમિકા તેમજ પાર્ટીમાં દારૂની વ્યવસ્થા કોણે કરી હતી તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *