રાજકોટ : આંબેડકર નગર 80 ફૂટ રોડ પર મોડી રાત્રે કરવામાં આવી યુવકની હત્યા..

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા પર અનેક વખત સવાલો ઉઠયા છે. ત્યારે રાજકોટ શહેરમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સતત કથળી રહી હોય તેમ ચોરી, લૂંટફાટ, દુષ્કર્મ, મારામારી અને હત્યાનાં બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે રાજકોટ શહેરમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે.

નવા થોરાળામાં સ્વામિનારાયણ સ્કૂલ સામે રહેતો સિધ્ધાર્થ જીવણભાઈ મકવાણા (ઉ.વ.21) રાત્રિના 11 વાગ્યે આંબેડકરનગરના ગેટ પાસે હતો ત્યારે કેટલાક શખ્સો તેની પાસે ધસી ગયા હતા..

અને માથાકૂટ શરૂ કરી હતી. થોડીજવારમાં મામલો તંગ થઈ ગયો હતો અને ઉશ્કેરાયેલા શખ્સોએ સિધ્ધાર્થને છરીના ચાર ઘા ઝીંકી દીધા હતા.

ઘટનાના પગલે લોકોને ટોળાં એકઠાં થઈ જતાં હુમલોખોરો નાસી છૂટ્યા હતા. યુવકને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો હતો પરંતુ તેનું મોત નિપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો. ઘટનાના પગલે થોરાળા પીઆઈ જેઠવા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. પીઆઈ જેઠવાએ જણાવ્યું હતું કે, સિધ્ધાર્થ મનપાના કન્ઝર્વન્સી વિભાગમાં નોકરી કરતો હતો. અગાઉના ઝઘડાના મનદુ:ખમાં હત્યા થયાનું ખુલ્યું હતું.

મનપાની ઢોર પકડ પાર્ટીમાં કોન્ટ્રાક્ટ બેઈઝથી કામ કરતો સિદ્ધાર્થ ઉર્ફે રઘો જીવણભાઈ મકવાણા ગત મોડી રાત્રે 80 ફુટ રોડ નજીક આંબેડકરનગર વિસ્તારમાં શેરી નં.1 નજીક હતો. ત્યારે અજાણ્યા શખ્સોએ તેના પર છરી વડે ઘાતક હુમલો કરતાં તે લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યો હતો. 108ને જાણ કરાતા સ્ટાફ ત્યાં પહોંચી ગયો હતો. અને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે સિદ્ધાર્થને મૃત જાહેર કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *