
પોરબંદર શહેર ઉપરાંત ગ્રામ્યપંથકમાં પણ દેશી દારૂની બદી ફૂલી-ફાલી હોય તેમ અનેક સ્થળોએથી દેશી દારૂ ઝડપાય છે, ત્યારે પોલીસે જિલ્લામાં છેલ્લા ર૪ કલાકમાં અલગ-અલગ ૬ સ્થળોએ રેડ કરી દારૂ અને આથો સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પોરબંદરમાં નવી ખડપીઠ ગૌશાળાના ગેઈટ સામેના રોડ પરથી પસાર થતા ભરત કરશનભાઈ ભુતિયા પાસેથી પોલીસને ૧ર લીટર દેશી દારૂ મળી આવ્યો હતો.
તો છાંયા મારૂતિનગર વિસ્તારમાં રહેતા જીવાભાઈ લાખાભાઈ ઓડેદરા પાસેથી પોલીસે ૧૧ લીટર દેશી દારૂ જપ્ત કર્યો હતો. આ ઉપરાંત નવી ખડપીઠ પાસેના વિસ્તારમાં રહેતા રૂડીબેન માલદેભાઈ ભુતિયા ૭૦ લીટર દેશી દારૂ બનાવવાના આથા સાથે ઝડપાયા હતા.
તો આ જ વિસ્તારમાં રહેતા કાના હરસુખભાઈ વદરના રહેણાંક મકાનમાં પોલીસે દરોડો પાડ્યો ત્યારે કાના વદર હાજર મળી આવ્યો ન હતો, પરંતુ તેના મકાનમાંથી ૯ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો.
તો સતી આઈના મંદિર સામેથી પસાર થતા કિશન ગોરધનભાઈ મકવાણા પાસેથી પાંચ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. આ ઉપરાંત રાણાવાવ તાલુકાના રાણાકંડોરણા ગામે વાડોત્રા રોડ પર રહેતા ચંદ્રેશ બાબુભાઈ મકવાણાના રહેણાંક મકાનમાં પોલીસે દરોડો પાડ્યો ત્યારે ચંદ્રેશ હાજર મળી આવ્યો ન હતો, પરંતુ સ્થળ પરથી ૪ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો.
આમ, પોલીસે દેશી દારૂ અને આથાનો જથ્થો છ સ્થળોએથી જપ્ત કર્યો હતો અને ૧ મહિલા સહિત ૬ સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.