
જાહેર માર્ગ પર હથિયાર સાથે આવી લોકોને ધાક-ધમકી આપતા અસામાજિક તત્વોના કેટલાક વીડિયા સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે. ત્યારે એવો જ એક વીડિયો હાલ સુરતથી સામે આવ્યો છે, જેમાં કેટલાક અજાણ્યા શખ્સો ખુલ્લી તલવાર સાથે જાહેર માર્ગ પર જોવા મળી રહ્યા છે અને તેની સામે એક મહિલા રડતા રડતા આજીજી કરતા જોવા મળી રહી છે. આ વીડિયો સામે આવતા પોલીસે અજાણ્યા લોકો સામે ગુનો નોંધી તેમને શોધવા તજવીજ હાથ ધરી છે.
જાહેર માર્ગ પર લોકોને ડરાવવાની કોશિશ
મળતી માહિતી મુજબ સુરત શહેરના સચિન વિસ્તારમાં કેટલાક અસામાજિક તત્વો બેફાન બન્યા છે, જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલાક અસામાજિક તત્વો મોપેડ, બુલેટ અને મોટરસાઇકલ લઈને આવે છે. તેમની પાસે ખુલ્લી તલવાર સાથે અન્ય હથિયાર પણ હોય છે. તેઓ જાહેર માર્ગ પર લોકોને ધામ-ધમકી આપી ડરાવવાની અને ભયનો માહોલ ઊભો કરવાની કોશિશ કરે છે.
લુખ્ખા તત્વોને શોધવા પોલીસે તપાસ આદરી
આ વાયરલ વીડિયોમાં દેખાય છે કે આ લુખ્ખા તત્વો સામે એક મહિલા રડતા રડતા આજીજી કરે છે. ત્યારે કાયદા વ્યવસ્થાનો ભંગ કરી આ અસામાજિક તત્વોને પોલીસનો પણ ડર નથી તેવી તસવીર ઉપસી રહી છે. જોકે આ વીડિયો સામે આવતા પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું છે અને વીડિયોમાં દેખાતા લુખ્ખા તત્વોની શોધખોળ કરવા તપાસ હાથ ધરી છે.