
બે વખતની આઇપીએલ ચેમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સે ચંદ્રકાંત પંડિતને પોતાનો નવો હેડ કોચ બનાવ્યો છે. ચંદ્રકાંત પંડિતાના કોચ બન્યા બાદ કોલકાતા નાઇટ રાઇડર્સના સીઇઓ વેંકી મૈસૂરે ઇરફાન પઠાણના એક જૂના ટ્વીટ પર જવાબ આપ્યો છે. વેંકી મૈસૂરના જવાબ બાદ ઇરફાન પઠાણે પણ રસપ્રદ રિપ્લાય કર્યો છે.
ચંદ્રકાંત પંડિતના કોચિંગમાં તાજેતરમાં રમાયેલી રણજી ટ્રોફીમાં મધ્ય પ્રદેશે પોતાનો પ્રથમ ખિતાબ જીત્યો હતો. મધ્ય પ્રદેશને વિજેતા બનાવ્યા બાદ ઇરફાન પઠાણે ટ્વીટર પર તેમની પ્રશંસા કરી હતી અને લખ્યુ હતુ કે તેમની માટે આઇપીએલ કોન્ટ્રાક્ટ હોવો જોઇએ.
ઇરફાન પઠાણના આ જૂના ટ્વીટ પર પંડિતને કોચ બનાવવામાં આવ્યા બાદ કેકેઆરના સીઇઓએ જવાબ આપતા લખ્યુ કે ઇરફાન ભાઇ અમે તમને સાંભળી રહ્યા હતા. વેંકી મૈસૂરના આ ટ્વીટ બાદ ઇરફાન પઠાણે આ વાતચીતને આગળ વધારતા વધુ એક ટ્વીટ કર્યુ હતુ, હાહા વેંકી ભાઇ, તમને અને ચંદૂ ભાઇને ગુડ લક…. હું તમને મારી બેન્ક ડિટેલ મોકલી રહ્યો છું.

મેક્કુલમની જગ્યા લેશે પંડિત
ચંદ્રકાંત પંડિત ઘરેલુ ક્રિકેટમાં મોટા નામમાંથી એક છે, તેમના નામે કુલ 6 રણજી ટ્રોફી ખિતાબ છે. પંડિત ન્યૂઝીલેન્ડના દિગ્ગજ બેટ્સમેન બ્રેન્ડન મેક્કુલમની જગ્યા લેશે. મેક્કુલમને તાજેતરમાં જ ઇંગ્લેન્ડની ટેસ્ટ ટીમ માટે મુખ્ય કોચ બનાવવામાં આવ્યા છે.
2022ની આઇપીએલમાં ફ્લોપ રહી હતી કેકેઆર
બે વખતની આઇપીએલ ચેમ્પિયન કેકેઆર આ વર્ષે આઇપીએલમાં પોતાનું દમ બતાવવામાં નિષ્ફળ રહી હતી. કેકેઆરે પોતાની 14 મેચમાંથી માત્ર 6 મેચમાં જ જીત મેળવી હતી. તે પોઇન્ટ ટેબલમાં સાતમા સ્થાને રહી હતી.

કોચ બન્યા બાદ ચંદ્રકાંત પંડિતે કહ્યુ- મારી માટે એક મોટુ સમ્માન
ચંદ્રકાંત પંડિતે કોચ બન્યા બાદ કહ્યુ કે આ મારી માટે એક મોટા સમ્માનની વાત છે. મે કેકેઆરની પારિવારિક સંસ્કૃતિ અને સફળતાની પરંપરાને કેકેઆર સાથે જોડાયેલા ખેલાડી અને કેટલાક અન્ય લોકો પાસેથી સાંભળી છે, તેમણે કહ્યુ કે હું પુરી વિન્રમતા અને સકારાત્મક આશા સાથે આ તકની રાહ જોઇ રહ્યો છું.