
એશિયા કપ 27 ઓગસ્ટથી શરૂ થવા જઇ રહ્યો છે પરંતુ આ ટૂર્નામેન્ટનો સૌથી મોટો મુકાબલો 28 ઓગસ્ટે રમાશે. દૂબઇ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાનની ટીમ ટકરાશે. આ મેચ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી માટે ખાસ થવાની છે. કોહલીની ટી-20 કરિયરની આ 100મી મેચ છે. ખરાબ ફોર્મમાં ઝઝુમી રહેલા કોહલી માટે એશિયા કપ એક વિકલ્પ છે કે તે ટી-20 વર્લ્ડકપ પહેલા ફોર્મમાં આવી જાય.
વિરાટ કોહલીના ખરાબ ફોર્મને લઇને પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન અને સ્વિંગના સુલતાન વસીમ અકરમે પ્રતિક્રિયા આપી છે. અકરમે કહ્યુ કે તેમણે વિશ્વાસ છે કે વિરાટ કોહલી એશિયા કપમાં જરૂર પોતાના ફોર્મમાં પરત ફરશે. સ્ટાર સ્પોર્ટ્સના એક કાર્યક્રમમાં તેને સંજના ગણેશન સાથે વાત કરતા કહ્યુ, તેમણે વિશ્વાસ છે કે એશિયા કપમાં તે ફોર્મમાં પરત ફરશે પરંતુ સાથે એમ પણ કહ્યુ કે આવુ પાકિસ્તાન વિરૂદ્ધ ના થાય.

આ સિવાય અકરમે કહ્યુ કે કોહલીના ફોર્મને લઇને ફેન્સ અને મીડિયા જે હાઇપ ક્રિએટ કરી રહ્યા છે તેની કોઇ જરૂરત નથી. તમને ખબર હોવી જોઇએ કે ફોર્મ ટેમ્પરરી હોય છે અને ક્લાસ પરમેનન્ટ. તમને જણાવી દઇએ કે 2019થી કોહલીના બેટથી સદી લાગી નથી. કોહલીના બેટથી અંતિમ વખત સદી બાંગ્લાદેશ વિરૂદ્ધ પિંક ટેસ્ટમાં આવી હતી. આ વર્ષે ઇંગ્લેન્ડના પ્રવાસ પણ કોહલી માટે ખાસ રહ્યો નથી. ટેસ્ટ, વન ડે અને ટી-20માં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 20 રન રહ્યો હતો.
2022માં ટી-20ની વાત કરીએ તો વિરાટ કોહલીએ 20 ટી-20 મેચ રમી છે અને 22.2ની એવરેજ અને 118ના સ્ટ્રાઇક રેટથી 422 રન બનાવ્યા છે. આ દરમિયાન વિરાટ કોહલીએ 3 અડધી સદીની ઇનિંગ રમી છે પરંતુ તેના બેટથી ફેન્સ હજુ પણ સદીની રાહ જોઇ રહ્યા છે.

વિરાટ કોહલી માટે શાનદાર રહ્યો એશિયા કપ
એશિયા કપના ઇતિહાસની વાત કરીએ તો વિરાટ કોહલીનો રેકોર્ડ સારો રહ્યો છે. એશિયા કપમાં કોહલીએ 63.83ની એવરેજથી 766 રન બનાવ્યા છે. આ આંકડા સાબિત કરે છે કે વિરાટ કોહલી આ જાણે છે કે એશિયા કપમાં કેવી રીતે ડોમિનેટ કરવુ છે. ટી-20 વર્લ્ડકપ પહેલા દરેક હાલમાં કોહલીનું ફોર્મ પરત ફરવી જરૂરી છે નહી તો ટીમ ઇન્ડિયા તેનો વિકલ્પ શોધી શકે છે.