
Girnar Lion : ગિરનારમાં કરુણ ઘટના: કાકાનો હાથ પકડીને ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો, જંગલમાંથી અવશેષો મળ્યા
Girnar Lion : જૂનાગઢ: ગિરનાર પર્વત પર વહેલી સવારે એક હૃદયદ્રાવક ઘટના બની છે. પરિવાર સાથે દર્શન માટે આવેલા બાળક પર સિંહે જીવલેણ હુમલો કરી તેને જંગલમાં ખેંચી જતાં અરેરાટી મચી ગઈ હતી. બાદમાં વન વિભાગ અને સ્થાનિકોની શોધખોળ દરમિયાન બાળકના બૂટ, કપડાં અને શરીરના કેટલાક અવશેષો જ મળી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

Girnar Lion : બાળકના કાકા અનિલકુમારસિંહ નટવરસિંહ ચૌહાણના જણાવ્યા મુજબ, પરિવાર વહેલી સવારે ગિરનારની સીડીઓ ચઢી રહ્યો હતો. ગેટથી અંદાજે 50 જેટલા પગથિયાં ચઢ્યા હતા ત્યારે અંધારામાંથી અચાનક સિંહે પાછળથી હુમલો કર્યો અને બાળક મયુરસિંહ મહેન્દ્રસિંહને તેમના હાથમાંથી ખેંચીને જંગલ તરફ ભાગી ગયો. ઘટનાથી સ્થળ પર દોડધામ અને ચીસાચીસ મચી ગઈ હતી.

Girnar Lion : પ્રત્યક્ષદર્શી સંદીપભાઈએ જણાવ્યું કે, સવારે આશરે પોણા છ વાગ્યે 50થી 60 યાત્રિકો સાથે ચઢાણ શરૂ થયું હતું. માંડ 50 પગથિયાં ચઢ્યા ત્યાં જ સિંહે બાળકને ઉઠાવી લીધો હતો. સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે છેલ્લા કેટલાક દિવસોથી સિંહ ગિરનારની સીડીઓ આસપાસ જોવા મળતો હતો. છતાં પૂરતી લાઈટ અને સુરક્ષા વ્યવસ્થા ન હોવાથી આવી દુર્ઘટના બની હોવાનું લોકોનું કહેવું છે.
Girnar Lion : ઘટના બાદ પોલીસ દ્વારા મુખ્ય સીડી તરફનો વિસ્તાર તાત્કાલિક બંધ કરાવી દેવામાં આવ્યો છે અને યાત્રાળુઓને જટાશંકર તરફની જૂની સીડીનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે. બીજી તરફ વન વિભાગે અલગ-અલગ ટીમો બનાવી સિંહની શોધખોળ શરૂ કરી છે અને તેને પકડવા માટે ઘટનાસ્થળની આસપાસ પાંજરા ગોઠવવામાં આવ્યા છે.
પરિવારજનોએ ગિરનારની સીડીઓ પર પૂરતી લાઈટની વ્યવસ્થા, વન વિભાગના કર્મચારીઓની સતત તહેનાતી અને યાત્રાળુઓની સુરક્ષા માટે કડક પગલાં ભરવાની માંગ કરી છે.
વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો