
Coin Shortage અમદાવાદમાં ચલણી સિક્કાની તંગી, પુરવઠો વધારવા ઉઠી માંગ
Coin Shortage : અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી રૂ. ૧, ૨, ૫ અને રૂ. ૧૦ના ચલણી સિક્કાની અછત રોજિંદા રોકડ વ્યવહારો માટે માથાનો દુખાવો બની રહી છે.
Coin Shortage અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી રૂ. ૧, ૨, ૫ અને રૂ. ૧૦ના ચલણી સિક્કાની અછત રોજિંદા રોકડ વ્યવહારો માટે માથાનો દુખાવો બની રહી છે. શહેરનાં બજાર, શાકભાજી અને ફ્રૂટ માર્કેટ, ચા-નાસ્તાની લારીઓ, નાના વેપારીઓ તેમજ રોકડ આધારિત વ્યવસાય સાથે જોડાયેલા લોકો પરચૂરણના અભાવે ગ્રાહકો સાથે રોજબરોજ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સ્થિતિને ધ્યાનમાં રાખીને વેપારી સંગઠનો અને વિવિધ વ્યાવસાયિક મંડળોએ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) અને બેન્કોને નાના ચલણી સિક્કાનો પુરવઠો : વધારવાની માગ કરી છે.
Coin Shortage વેપારીઓનું કહેવું છે કે દૈનિક હજારો નાના વ્યવહારોમાં યોગ્ય પરચૂરણ ન : મળતાં ગ્રાહકો સાથે કારણ વગરની માથાકૂટ અને ચર્ચાઓ થાય છે. ઘણી વખત વેપારીઓને ચોકલેટ, ટોફી અથવા બાકી રકમ ઉધાર તરીકે સમાયોજિત કરવી પડે છે, જ્યારે કેટલાક ગ્રાહકો ડિજિટલ ચૂકવણી તરફ વળે છે. જોકે, હજુ પણ શહેરના અનેક વિસ્તારોમાં રોકડ વ્યવહારોનું પ્રમાણ નોંધપાત્ર હોવાથી નાના સિક્કાની જરૂરિયાત યથાવત્ છે.
Coin Shortage ખાસ કરીને માણેકચોક, જમાલપુર, કાલુપુર, ઢાલગરવાડ અને શહેરના અન્ય પરંપરાગત બજારમાં રોજિંદાં ખરીદી-વેચાણ દરમિયાન પરચૂરણની સમસ્યા વધુ ગંભીર બની રહી હોવાનું જાણવા મળે છે જાહેર પરિવહન, પાર્કિંગ, નાના ખાણી-પીણીના ધંધા અને સ્થાનિક બજારોમાં પણ આ સ્થિતિની સીધી અસર જોવા મળી રહી છે.
Coin Shortage વેપારી સંગઠનોનું માનવું છે કે બેન્કોમાં નાના ચલણી સિક્કાની ઉપલબ્ધતા વધારવામાં આવે અને નિયમિત પુરવઠાની વ્યવસ્થા કરવામાં આવે તો રોકડ વ્યવહારો સરળ બનશે. સાથે જ બેન્કો દ્વારા વેપારીઓને સરળતાથી સિક્કા ઉપલબ્ધ કરાવવાની વ્યવસ્થા મજબૂત કરવામાં આવે તેવી પણ માગ ઊઠી છે. વેપારીઓનું કહેવું છે કે ડિજિટલ ચૂકવણીનો વ્યાપ વધ્યો હોવા છતાં નાના મૂલ્યના વ્યવહારોમાં ચલણી સિક્કાનું મહત્ત્વ આજે પણ એટલું જ છે અને તેની અછત સામાન્ય ગ્રાહકથી લઈને વેપારી સુધી દરેકને અસર કરી રહી છે.

