
ફરજિયાત TET પરીક્ષાના વિરોધમાં રાજ્યભરમાંથી શિક્ષકો ગાંધીનગર પહોંચ્યા
ફરજિયાત ટિચર્સ એલિજિબિલિટી ટેસ્ટ (TET) અંગેના સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદા બાદ ગુજરાતભરના શિક્ષકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ચુકાદાના વિરોધમાં અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, જામનગર સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં શિક્ષકો ગાંધીનગર પહોંચ્યા અને પોતાની વિવિધ માંગણીઓ સાથે વિરોધ પ્રદર્શન કર્યું.

શિક્ષકોનું કહેવું છે કે વર્ષ 2010 પહેલાં ભરતી થયેલા અનુભવી શિક્ષકોને ફરજિયાત TET પરીક્ષામાંથી કાયમી મુક્તિ આપવામાં આવે. ઉપરાંત, 1 એપ્રિલ 2005 બાદ ભરતી થયેલા શિક્ષકોને જૂની પેન્શન યોજનાનો લાભ આપવામાં આવે, ધોરણ 6થી 8ના શિક્ષકોને અલગ અને યોગ્ય ગ્રેડ પે આપવામાં આવે તેમજ HTAT આચાર્યોને સોંપવામાં આવેલા વધારાના શાળાના ચાર્જનો નિર્ણય પરત ખેંચવામાં આવે તેવી પણ માંગ ઉઠાવવામાં આવી છે.
શિક્ષક આગેવાનોના જણાવ્યા અનુસાર, જો સરકાર તેમની માંગણીઓ અંગે વહેલી તકે હકારાત્મક નિર્ણય નહીં લે તો આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે અને જરૂર પડે તો દિલ્હી સુધી લડત લઈ જવામાં આવશે.
શિક્ષક બહાદુરભાઈ ભુરીયા અને રસૂલભાઈ સંગાડાએ જણાવ્યું કે, વર્ષ 2010 પહેલાં ભરતી થયેલા શિક્ષકોને ફરજિયાત TETમાંથી મુક્તિ આપવી જોઈએ. સાથે જ પેન્શન સહિતના અન્ય હકો અને લાભો પણ શિક્ષકોને મળવા જોઈએ.
શિક્ષકોએ રાજ્ય સરકારને ચર્ચા માટે આગળ આવી યોગ્ય અને હકારાત્મક નિર્ણય લેવાની અપીલ કરી છે. બીજી તરફ, ગાંધીનગરમાં મોટી સંખ્યામાં શિક્ષકો એકત્ર થતા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.