
અમદાવાદમાં ફિલ્મી ઢબે 50 લાખની લૂંટ: અકસ્માતનો નાટક કરી કારનો કાચ તોડી રોકડ ભરેલી બેગ લઈને ફરાર
અમદાવાદ: શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં શનિવારે ધોળેદિવસે ફિલ્મી ઢબે અંદાજે 50 લાખ રૂપિયાની લૂંટની ઘટના સામે આવી છે. લૂંટારૂઓએ પહેલા અકસ્માતનો નાટક રચીને કારચાલકનું ધ્યાન ભટકાવ્યું અને ત્યારબાદ અન્ય સાગરીતોએ કારનો કાચ તોડી રોકડ ભરેલી બેગ લઈને પળવારમાં ફરાર થઈ ગયા. ઘટનાની જાણ થતાં જ કૃષ્ણનગર પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
પ્રાથમિક માહિતી અનુસાર, કારચાલક બાપુનગર વિસ્તારમાં આવેલી એક આંગડિયા પેઢીમાંથી અંદાજે 50 લાખ રૂપિયાની રોકડ રકમ થેલામાં ભરીને કોઠિયા હોસ્પિટલ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા મારુતિ પ્લાઝા કોમ્પ્લેક્સ નજીક બાઈક પર આવેલા શખસોએ તેમની કાર સાથે અકસ્માત સર્જ્યો હતો.
અકસ્માત બાદ કારચાલક નીચે ઉતરતા જ એક શખસે તેની સાથે બોલાચાલી શરૂ કરી હતી. આ દરમિયાન અન્ય બે હેલ્મેટધારી સાગરીતોએ કારનો કાચ તોડી અંદર રહેલી રોકડ ભરેલી બેગ ઉઠાવી લીધી અને બાઈક પર ફરાર થઈ ગયા. સમગ્ર ઘટના ગણતરીની સેકન્ડોમાં બની હતી.
ભોગ બનનાર દ્વારા બૂમાબૂમ કરતા આસપાસના લોકો એકત્ર થયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. હાલ કૃષ્ણનગર પોલીસ મથકે ફરિયાદ નોંધવાની કાર્યવાહી ચાલી રહી છે.
પોલીસે લૂંટારૂઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી છે. ઘટનાસ્થળ અને આસપાસના વિસ્તારના CCTV ફૂટેજની તપાસ, હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે. પોલીસે ટૂંક સમયમાં આરોપીઓને ઝડપી પાડવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
