
ગાંધીનગરમાં કોસ્ટ ગાર્ડ ઓફિસમાં ફરજ પરના પોલીસ જવાને રાઈફલથી ગળામાં ગોળી મારી, હાલત ગંભીર
ગાંધીનગર સેક્ટર-1 સ્થિત ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ કેમ્પસમાં ઘટના; FSL સહિત પોલીસની તપાસ શરૂ, કારણ અકબંધ
ગાંધીનગરના સેક્ટર-1માં ગાયત્રી મંદિર નજીક આવેલી ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની ઓફિસના કેમ્પસમાં રવિવારે સવારે ચોંકાવનારી ઘટના બની હતી. ફરજ પર તહેનાત 43 વર્ષીય પોલીસ જવાને પોતાની સર્વિસ રાઈફલ વડે ગળાના ભાગે ગોળી મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ગોળીબારનો અવાજ સંભળાતા કેમ્પસમાં અફરાતફરી મચી ગઈ હતી. ગંભીર રીતે ઘાયલ જવાનને તાત્કાલિક ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓ ICUમાં સારવાર હેઠળ છે અને તેમની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસના જણાવ્યા અનુસાર ઘાયલ જવાનની ઓળખ હસમુખભાઈ ચતુરભાઈ પ્રજાપતિ (ઉં.વ. 43), રહે. લેકાવાડા ગામ તરીકે થઈ છે. તેઓ સેક્ટર-1 ખાતે આવેલી ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની ઓફિસમાં સુરક્ષા ફરજ બજાવી રહ્યા હતા. રવિવારે સવારે ફરજ દરમિયાન તેમણે અગમ્ય કારણોસર પોતાની સર્વિસ રાઈફલ વડે ગળામાં ગોળી મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

ઘટનાની જાણ થતાં જ સેક્ટર-7 પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની ટીમને પણ સ્થળ પર બોલાવી પુરાવા અને લોહીના નમૂનાઓ એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે જવાનના પરિવારજનોને ઘટનાની જાણ કરી છે અને તેમના સાથી કર્મચારીઓ તેમજ પરિવારના સભ્યોની પૂછપરછ શરૂ કરી છે.
આ અંગે સેક્ટર-7 પોલીસ ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે, હસમુખ પ્રજાપતિએ પોતાની સર્વિસ રાઈફલ વડે ગળાના ભાગે ફાયરિંગ કરી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. હાલ તેઓ ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ICUમાં સારવાર હેઠળ છે અને તેમની સ્થિતિ ગંભીર છે.
પોલીસે ઘટનાના કારણો જાણવા માટે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તબક્કે આત્મહત્યાના પ્રયાસ પાછળનું કારણ સ્પષ્ટ થયું નથી.