અમદાવાદ શેલામાં ભવ્ય ‘શ્રી નિત્ય શાંતિ ભવન’નું લોકાર્પણ, CM ભૂપેન્દ્ર પટેલે આપ્યો આધ્યાત્મિકતાનો સંદેશ

અમદાવાદ શેલામાં ભવ્ય ‘શ્રી નિત્ય શાંતિ ભવન’નું લોકાર્પણ, CM ભૂપેન્દ્ર પટેલે આપ્યો આધ્યાત્મિકતાનો સંદેશ

અમદાવાદ: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રવિવારે અમદાવાદના શેલા ખાતે નવનિર્મિત  ‘શ્રી નિત્ય શાંતિ ભવન’ નું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે ભવનના જિન-ચૈત્યમાં બિરાજમાન પ્રાચીન શ્રી મુનિસુવ્રતસ્વામી પ્રભુના દર્શન કરીને રાજ્યની સુખાકારી અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.

રાષ્ટ્રસંત શ્રી પદ્મસાગરસૂરિશ્વરજી મહારાજાની નિશ્રામાં યોજાયેલા આ ધાર્મિક સમારોહમાં શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલા સહિત જૈન સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમને સંબોધતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આજના આધુનિક અને ભૌતિકવાદી યુગમાં માનસિક શાંતિ માટે આધ્યાત્મિકતા અત્યંત જરૂરી છે. તેમણે કહ્યું કે આધુનિકતા અને આધ્યાત્મિકતાના સમન્વયથી જ સમાજના સર્વાંગી વિકાસ અને લોકકલ્યાણનો માર્ગ પ્રશસ્ત થઈ શકે છે.

મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આચાર્યદેવ શ્રી પદ્મસાગરજી મહારાજાના માર્ગદર્શન હેઠળ નિર્માણ પામેલું ‘શ્રી નિત્ય શાંતિ ભવન’ માનવતા, શાંતિ અને જીવદયાના મૂલ્યોને પ્રોત્સાહન આપતું મહત્વપૂર્ણ કેન્દ્ર બનશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ ‘વિકાસ ભી, વિરાસત ભી’ના મંત્ર સાથે આગળ વધી રહ્યો હોવાનું જણાવતાં તેમણે ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિક વારસાના સંવર્ધન માટે થયેલા વિવિધ પ્રયાસોની પ્રશંસા કરી હતી. સાથે જ તેમણે પાણી બચાવવું, સ્વચ્છતા, ‘લોકલ ફોર વોકલ’ અને પ્રાકૃતિક ખેતી જેવા સંકલ્પોને જીવનશૈલીનો ભાગ બનાવવા તેમજ ‘વિકસિત ભારત @2047’ના નિર્માણમાં સૌને સહભાગી બનવા અપીલ કરી હતી.

રાષ્ટ્રસંત પૂજ્ય પદ્મસાગરસૂરિશ્વરજી મહારાજાએ પોતાના આશીર્વચનમાં દાન, પરોપકાર, ત્યાગ અને જીવદયાના મૂલ્યો પર ભાર મૂકતાં સમાજના વંચિત અને જરૂરિયાતમંદ વર્ગની સેવા માટે સંપત્તિનો સદુપયોગ કરવાની પ્રેરણા આપી હતી.

ઉલ્લેખનીય છે કે, નવનિર્મિત ‘શ્રી નિત્ય શાંતિ ભવન’માં ભવ્ય પ્રભુચૈત્ય ઉપરાંત સાધુ-સાધ્વીજીઓ માટે ઉપાશ્રય, વ્યાખ્યાન હોલ, આયંબિલશાળા, બાળકો અને યુવાનો માટે પાઠશાળા અને જ્ઞાનશાળા, યાત્રાળુઓ માટે ધર્મશાળા તેમજ અન્ય આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *