
ગાંધીધામમાં ચૈતર વસાવાના સમર્થનમાં AAPની પદયાત્રા, રાજકીય ષડયંત્રના લગાવ્યા આરોપ
ગાંધીધામ, તા. 26 જૂન: આમ આદમી પાર્ટી (AAP) દ્વારા ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને સાત વર્ષની સજા ફટકારવાના નિર્ણયના વિરોધમાં અને તેમના સમર્થનમાં શુક્રવારે ગાંધીધામમાં પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યવ્યાપી કાર્યક્રમના ભાગરૂપે યોજાયેલી આ પદયાત્રામાં મોટી સંખ્યામાં કાર્યકરો અને હોદ્દેદારોએ ભાગ લીધો હતો.
ગાંધીધામમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાથી ગાંધી માર્કેટ સુધી યોજાયેલી પદયાત્રાનું નેતૃત્વ ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. કાયનાત અંસારી આથાએ કર્યું હતું. પદયાત્રા દરમિયાન કાર્યકરોએ ચૈતર વસાવાના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા હતા.
કાર્યક્રમને સંબોધતા ડો. કાયનાત અંસારી આથાએ આરોપ લગાવ્યો હતો કે ચૈતર વસાવા સામે રાજકીય ષડયંત્રના ભાગરૂપે કાર્યવાહી કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે આદિવાસી સમાજના હકો, જળ-જંગલ-જમીનના મુદ્દાઓ અને યુવાનોના પ્રશ્નો ઉઠાવનાર નેતાને નિશાન બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે ચૈતર વસાવાને ન્યાય ન મળે ત્યાં સુધી આમ આદમી પાર્ટી પોતાની લડત ચાલુ રાખશે.
પાર્ટીના જણાવ્યા અનુસાર, ચૈતર વસાવાના સમર્થનમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર, અમરેલી સહિત રાજ્યના વિવિધ શહેરોમાં પણ સમર્થન પદયાત્રાઓ યોજાઈ હતી.
ગાંધીધામમાં યોજાયેલી પદયાત્રામાં જીજ્ઞાશા સોંદરવા, નિર્મલા, રાજેશ સથવારા, દેવાયત આહીર, દીગ્વિજયસિંહ જાડેજા, નીલેશ મહેતા, અમૃત રાઠોડ, હરીશ મારુ, વિજય પ્રજાપતિ, નીલેશ દાફડા, નીતીનભાઈ, રાયશીભાઈ, દીપકભાઈ, રોહિતભાઈ, જીતેન્દ્રભાઈ, સુનીલભાઈ જેઠવાની, પ્રતાપભાઈ રાઠોડ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો
