
મધુરાષ્ટક : શ્રીકૃષ્ણના મધુર સ્વરૂપનું દિવ્ય દર્શન
લેખક: ડો. કુણાલ જોશી પ્રજ્ઞાચક્ષુ ભાગવત કથાકાર
મધુરાષ્ટક એ શ્રીનાથજી બાવાના દિવ્ય સ્વરૂપનું સ્તોત્ર છે. જ્યારે આપણે મધુરાષ્ટકનો પાઠ કરીએ છીએ ત્યારે શ્રીનાથજી બાવાની સંપૂર્ણ ઝાંખી થતી હોય તેવો અનુભવ થાય છે. મધુરાષ્ટકની રચના મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજીએ કરી છે. ‘અષ્ટક’નો અર્થ એવો કે જેમાં આઠ શ્લોકો હોય તેવા સ્તોત્રને અષ્ટક કહેવામાં આવે છે.
ભગવાન શ્રીકૃષ્ણ જગતગુરુ છે. પરંતુ જગતગુરુનું સ્વરૂપ કેવું હોય તેની સુંદર પ્રસ્તુતિ મધુરાષ્ટકમાં કરવામાં આવી છે. ભગવાન શ્રીકૃષ્ણના ગુણો દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં ઉતારવા જોઈએ. આ અષ્ટકમાં મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજી કહેવા માંગે છે કે ભગવાન શ્રીકૃષ્ણનું બધું જ મધુર છે.
ભગવાન શ્રીકૃષ્ણના નેત્રો મધુર છે. ભગવાનના નેત્રો કેવા છે તેનું વર્ણન ગોપીઓએ ગોપીગીતમાં કર્યું છે. ગોપીજનો કહે છે કે શરદઋતુમાં તાજું ખીલેલું કમળ જેમ સુંદર હોય છે, એવા આપના નેત્રો છે. ભગવાનનું હાસ્ય પણ મધુર છે. ભગવાન જે હસે છે તે હાસ્યનું નામ ‘વલ્લગુ હાસ્ય’ છે. શ્રીમદ્ ભાગવતજીના દ્વિતીય સ્કંધમાં શ્રી શુકદેવજી મહારાજ વર્ણવે છે કે હાસ્ય એ ભગવાનની માયા છે. ભગવાને માત્ર સ્મિતથી અનેક લોકોના અહંકારનું ખંડન કર્યું છે. તેથી ભગવાનનું સ્મિત મધુર છે.
ભગવાન શ્રીકૃષ્ણ સૌને સંદેશ આપે છે કે હસતાં-રમતાં જીવન જીવો તો જીવન બદલાઈ જશે, પરંતુ ચિંતા અને ભાર લઈને ફરશો તો જીવન કરમાઈ જશે. પ્રસન્નતા એ જ પ્રભુનો પ્રસાદ છે.
‘ગમનં મધુરમ્’ કહેતાં મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજી સમજાવે છે કે ભગવાન શ્રીકૃષ્ણનું જવું પણ મધુર છે. ભગવાન શ્રીકૃષ્ણ આપણને સમજાવે છે કે સમજદાર વ્યક્તિ એ છે જેને પકડતાં પણ આવડે અને છોડતાં પણ આવડે. ભગવાન શ્રીકૃષ્ણ ૧૧ વર્ષ અને ૫૨ દિવસ સુધી ગોકુળમાં રહ્યા. ત્યારે સૌને લાગતું હતું કે ભગવાન વ્રજ છોડીને ક્યારેય નહીં જાય. પરંતુ જ્યારે જવાનો સમય આવ્યો ત્યારે ભગવાને વ્રજ છોડીને મથુરા પ્રસ્થાન કર્યું.
ભગવાનની આ લીલા આપણને જીવનનો મહત્વપૂર્ણ પાઠ શીખવે છે. આપણે ઘરમાં અને પરિવારમાં રહેવાનું છે. પરિવારના સભ્યોને સંતોષ ત્યારે જ આપી શકીશું જ્યારે આપણને પકડતાં પણ આવડે અને છોડતાં પણ આવડે. પકડવું તો દરેકને આવડે છે, પરંતુ જે છોડતા શીખે છે તે જ સાચા અર્થમાં સમજદાર કહેવાય.
મધુરાષ્ટક જીવન માટે ત્રણ સુંદર સૂત્રો આપે છે — ‘જતું કરો, જોયા કરો અને જાતે કરો.’ કેટલીક વસ્તુઓ છોડવા જેવી હોય છે અને કેટલીક વસ્તુઓ ભલે આપણને ન ગમતી હોય, છતાં પરિવારના હિત માટે તેને સ્વીકારવી પડે છે.
મધુરાષ્ટકની દરેક પંક્તિ આપણા જીવનમાં ઉતરી આવે તો જીવન ખરેખર મધુર બની જાય. તેથી જ આ સ્તોત્રનું નામ ‘મધુરાષ્ટક’ છે. મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજીએ શ્રીનાથજી બાવાના દર્શન કર્યા બાદ તેમના મુખારવિંદમાંથી આ દિવ્ય સ્તોત્ર પ્રગટ થયું.
આ સ્તોત્રમાં મહાપ્રભુ કહે છે કે ભગવાનનું હૃદય મધુર છે. વ્યક્તિનું હૃદય પથ્થર જેવું ન હોવું જોઈએ. હૃદય તેને કહેવાય જે ભગવાનની કથા અને ચરિત્રો સાંભળીને પ્રસન્નતા અનુભવે. જેનું હૃદય ભગવાનના ચરિત્રોમાં રસ લેતું નથી તે હૃદય પથ્થર સમાન છે.
ભગવાન શ્રીકૃષ્ણ સમજાવે છે કે જીવનમાં કોમળ બનવાની જરૂર છે. દરેક પરિસ્થિતિમાં કઠોર બનવું જરૂરી નથી. કઠોરતા સમાધાન નથી, પરંતુ સંઘર્ષ છે. ભગવાન કહે છે કે અતિ કઠોર પણ ન બનવું અને અતિ કોમળ પણ ન બનવું. ‘હૃદયં મધુરમ્’ પંક્તિનો ભાવ એ છે કે ઘરમાં કે પરિવારમાં વિકટ પરિસ્થિતિ આવે ત્યારે તેનું સમાધાન ઘણી વખત કોમળતા દ્વારા જ શક્ય બને છે.
મધુરાષ્ટક સમજાવે છે કે લડવા કરતાં પોતાની સાધનાને વધારવી જોઈએ. સાધનાના બળથી આપણે પરમપદ સુધી પહોંચી શકીએ છીએ. આ જગતમાં બધું જ સંભવ છે. ઘણીવાર આપણે કહીએ છીએ કે ‘આ કામ મારા માટે અશક્ય છે’, પરંતુ ‘અશક્ય’ શબ્દમાંથી ‘અ’ કાઢી નાખીએ તો ‘શક્ય’ બની જાય છે. તેવી જ રીતે ‘અસંભવ’માંથી ‘અ’ કાઢી નાખીએ તો ‘સંભવ’ બની જાય છે.
ભગવાન શ્રીકૃષ્ણ સમજાવે છે કે દરેક પરિસ્થિતિને પ્રભુનો પ્રસાદ માનીને સ્વીકારવી જોઈએ. જો આપણે આવું જીવન જીવીએ તો ભગવાનના સાચા ભક્ત અને ઉપાસક બની શકીશું.
મધુરાષ્ટકનો સાર એટલો જ છે કે જો આપણે શ્રીકૃષ્ણનું ચિંતન કરીશું તો ભગવાન આપણી ચિંતા કરશે. તેથી જ કહેવાયું છે:
“ચિત્ત તું શીદને ચિંતા કરે,
કૃષ્ણને કરવું હોય તે કરે.”
ભગવાન શ્રીકૃષ્ણની લીલાઓ અદભુત અને રહસ્યમય છે. તેમની મહિમાને એક પંક્તિમાં સમજવી હોય તો કહી શકાય:
“યશોમતીનો ખોળો ખૂંદો એવા નાજુક બાળક છો,
મોઢામાં બ્રહ્માંડ બતાવો, વિશ્વ સકળના ચાલક છો.”
સંઘર્ષ સમાધાન નથી, પરંતુ કોમળતા સમાધાન છે. ‘હૃદયં મધુરમ્’ પંક્તિ આપણને શીખવે છે કે જો આપણે પોતાનો સ્વભાવ સુધારીએ તો પરિવારના દરેક વ્યક્તિના હૃદયને જીતી શકીએ.
ભગવાન શ્રીકૃષ્ણ જગતગુરુ છે. તેમની દરેક લીલા રહસ્યમય અને જીવનોપયોગી છે. આવો, આપણે આપણું મન ભગવાન શ્રીકૃષ્ણના ચરણકમળોમાં સ્થિર કરીએ અને મધુરાષ્ટકના માધ્યમથી પોતાના જીવનને પણ મધુર બનાવવાનો સંકલ્પ કરીએ.