
રામ મંદિરમાં મોટો ભૂકંપ: દાન ચોરી વિવાદ વચ્ચે મહાસચિવ ચંપત રાય અને અનિલ મિશ્રાનું રાજીનામું
રામ મંદિરના દાનમાં કથિત નાણાકીય ગેરરીતિ અને ચોરીના મામલામાં એક મોટો રાજકીય અને વહીવટી વળાંક આવ્યો છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના કડક વલણ અને SIT ના પ્રારંભિક અહેવાલ બાદ ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને સભ્ય અનિલ મિશ્રાએ પોતાના પદો પરથી રાજીનામું આપી દીધું છે.
અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા ચઢાવવામાં આવતા દાન અને ચઢાવાની રકમમાં કથિત ઉચાપતના મામલે હવે દેશભરમાં ખળભળાટ મચી ગયો છે. આ ચકચારી કૌભાંડમાં શુક્રવારે એક બહુ મોટો ઘટનાક્રમ સામે આવ્યો છે, જેમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સૌથી શક્તિશાળી ગણાતા મહાસચિવ ચંપત રાય અને અન્ય વરિષ્ઠ સભ્ય અનિલ મિશ્રાએ પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના અત્યંત કડક વલણ અને વિશેષ તપાસ ટીમની (SIT) પ્રાથમિક રિપોર્ટમાં કરાયેલી આકરી ભલામણો બાદ આ બંને દિગ્ગજોએ નૈતિકતાના ધોરણે રાજીનામું આપવાની ફરજ પડી છે.

SIT ની કડક ભલામણો અને પ્રથમ FIR
અયોધ્યાના રામ જન્મભૂમિ પોલીસ સ્ટેશનમાં ટ્રસ્ટની ફરિયાદના આધારે જ પ્રથમ FIR દાખલ કરવામાં આવી છે. આ કેસની તપાસ કરી રહેલી એસઆઈટી (SIT) હાલમાં કથિત નાણાકીય અનિયમિતતાઓની ઊંડી તપાસ કરી રહી છે. તપાસ એજન્સી શંકાસ્પદ આરોપીઓના બેંક ખાતાઓ, સ્થાવર-જંગમ મિલકતો, મોબાઈલ કોલ ડિટેલ્સ (CDR) અને શંકાસ્પદ નાણાકીય વ્યવહારોની આકરી પડતાલ કરી રહી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે આ મામલે સંપૂર્ણ પારદર્શક તપાસ થશે અને ભ્રષ્ટાચાર કરનારા ગમે તેટલા પ્રભાવશાળી હોય, તેમની સામે કાયદા મુજબ કડક પગલાં લેવાશે.
8 લોકો સામે નામજોગ કેસ, 4 ની ધરપકડ
રામ મંદિરના ચઢાવાની ચોરીના આ કેસમાં ગુરુવારે રામ જન્મભૂમિ પોલીસ સ્ટેશનમાં 8 (આઠ) લોકો વિરુદ્ધ નામજોગ ગુનો નોંધવામાં આવ્યો છે. આ તમામ સામે ગબન, છેતરપિંડી અને ગુનાહિત કાવતરું ઘડવાની ગંભીર કલમો લગાવવામાં આવી છે. એફઆઈઆરમાં નામજોગ આરોપીઓની યાદી આ મુજબ છે:
રામ શંકર યાદવ ઉર્ફે ટીનુ (ચંપત રાયના ડ્રાઈવર અને નજીકના વ્યક્તિ)
અનુકલ્પ મિશ્ર
લવકુશ મિશ્રા
કરુણેશ પાંડે
અવિનાશ શુક્લા
મનીષ યાદવ
રમાશંકર મિશ્રા
સુભાષ ચંદ્ર શ્રીવાસ્તવ
સૂત્રોના જણાવ્યા અનુસાર, એસઆઈટીનો અહેવાલ એડિશનલ ચીફ સેક્રેટરી (ACS Home) ને સોંપાયા બાદ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આ 8 માંથી 4 (ચાર) આરોપીઓની ધરપકડ કરી લીધી છે, જ્યારે બાકીના 4 ની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા છે.