
આજે વૈભવ સૂર્યવંશી લખશે નવો ઇતિહાસ? ટીમ ઈન્ડિયામાં ડેબ્યૂની સંભાવના
ટી-20 વર્લ્ડ કપ-2026માં સફળ અભિયાન બાદ ટીમ ઈન્ડિયા હવે આયરલેન્ડ સામે બે મેચની ટી-20 સિરીઝ માટે તૈયાર છે. શુક્રવારથી શરૂ થનારી આ સિરીઝમાં શ્રેયસ અય્યર પ્રથમ વખત ટીમની કમાન સંભાળશે, પરંતુ સૌથી મોટી ચર્ચા 15 વર્ષીય વન્ડર બોય વૈભવ સૂર્યવંશીના સંભવિત આંતરરાષ્ટ્રીય ડેબ્યૂને લઈને છે.
જો વૈભવને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળશે તો તે ભારત માટે સૌથી ઓછી ઉંમરે આંતરરાષ્ટ્રીય મેચ રમવાનો રેકોર્ડ પોતાના નામે કરી શકે છે અને સચિન તેંડુલકરનો ઐતિહાસિક રેકોર્ડ તોડી શકે છે.
વૈભવને તક આપવા માટે ટીમ મેનેજમેન્ટને મુશ્કેલ નિર્ણય લેવો પડી શકે છે. અભિષેક શર્મા અને સંજૂ સેમસનની સફળ ઓપનિંગ જોડી ઉપરાંત ઇશાન કિશન પણ ટીમમાં છે. એવી સ્થિતિમાં ઇશાન કિશનને પ્રથમ મેચમાં આરામ અપાઈ શકે છે, જ્યારે સંજૂ સેમસન વન-ડાઉન બેટિંગ કરી શકે છે.
ઓલરાઉન્ડરની બે જગ્યાઓ માટે અક્ષર પટેલ, શિવમ દૂબે, વોશિંગ્ટન સુંદર અને સૂર્યાંશ શેડગે વચ્ચે સ્પર્ધા છે. બીજી તરફ, હર્ષિત રાણાની વાપસી અને આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કરનાર પ્રિન્સ યાદવના ડેબ્યૂ પર પણ નજર રહેશે.
આયરલેન્ડની ટીમની કપ્તાની લોર્કન ટકર કરશે. ઘરઆંગણે રમતી આયરિશ ટીમ વિશ્વ ચેમ્પિયન ભારતને આંચકો આપવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.
મેચની માહિતી
પ્રથમ ટી-20: શુક્રવાર
બીજી ટી-20: રવિવાર
સમય: સાંજે 6:00 વાગ્યે (ભારતીય સમય)
લાઈવ: સોની સ્પોર્ટ્સ નેટવર્ક અને સોની લિવ એપ
વધુ સમાચાર માટે અહીં ક્લિક કરો
