
અમદાવાદ–ગાંધીધામ ટ્રેન રૂટ પર Jioનું નેટવર્ક સૌથી ઝડપી, TRAIના ટેસ્ટમાં BSNL સૌથી પાછળ
અમદાવાદથી ગાંધીધામ વચ્ચે ટ્રેનમાં મુસાફરી કરતા મોબાઇલ યુઝર્સ માટે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI)એ મોબાઇલ નેટવર્કની ગુણવત્તા અંગે મહત્વપૂર્ણ અહેવાલ જાહેર કર્યો છે. 30 જૂન, 2026ના રોજ અમદાવાદ–વિરમગામ–ધ્રાંગધ્રા–હળવદ–સામખિયાળી–ભચાઉ થઈને ગાંધીધામ સુધીના અંદાજે 300 કિલોમીટરના રેલવે રૂટ પર ‘ઇન્ડિપેન્ડન્ટ ડ્રાઇવ ટેસ્ટ’ (IDT) હાથ ધરવામાં આવ્યો હતો.
ટેસ્ટ દરમિયાન રિલાયન્સ Jioએ સરેરાશ 134.73 Mbps ડાઉનલોડ સ્પીડ સાથે તમામ ટેલિકોમ કંપનીઓને પાછળ છોડી પ્રથમ સ્થાન મેળવ્યું. Airtel 64.47 Mbps સાથે બીજા ક્રમે રહ્યું, જ્યારે Vodafone Idea (23.44 Mbps) અને BSNL (18.52 Mbps) પાછળ રહ્યા.
કોલિંગ સેવાની વાત કરીએ તો Airtel અને Vodafone Ideaના નેટવર્કમાં એક પણ કોલ ડ્રોપ નોંધાયો ન હતો. Jioમાં પણ ટેસ્ટ દરમિયાન કોઈ કોલ ડ્રોપ નોંધાયો નહોતો. બીજી તરફ BSNLમાં 7 કોલ ડ્રોપ નોંધાયા હતા અને સૌથી વધુ નબળા સિગ્નલ તેમજ 984 સ્થળોએ નેટવર્ક કવરેજ જ ન હોવાનું સામે આવ્યું.
TRAIના જણાવ્યા મુજબ આવા ડ્રાઇવ ટેસ્ટનો હેતુ ગ્રાહકોને વાસ્તવિક પરિસ્થિતિમાં વિવિધ ટેલિકોમ કંપનીઓની 2G, 3G, 4G અને 5G સેવાઓની ગુણવત્તા વિશે પારદર્શક માહિતી ઉપલબ્ધ કરાવવાનો છે. ટેસ્ટ માટે ખાસ સોફ્ટવેર અને હેન્ડસેટ્સની મદદથી ચાલતી ટ્રેનમાં લાઇવ કોલિંગ અને ડેટા સેશનનું પરીક્ષણ કરવામાં આવે છે.
