
ગાંધીનગર :
ગુજરાત વિધાનસભાનું અંદાજપત્ર સત્ર ચાલી રહ્યું છે. ત્યારે ધારાસભ્યોને ટી-શર્ટના પહેરવાનો આદેશ કર્યો હતો. તેમ છતાં આજે કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા ટી- શર્ટ પહેરીને ગૃહમાં આવતા અધ્યક્ષે તેમને ગૃહમાંથી નીકળી જવા અને શર્ટ પહેરીને આવવાની સૂચના આપી હતી. પરિણામે સાર્જન્ટે ચુડાસમાને ગૃહની બહાર કાઢ્યા હતા.
સોમનાથના ધારાસભ્ય અને કૉંગ્રેસના યુવા નેતા વિમલ ચુડાસમા વિધાનસભામાં ‘free spirit’ લખેલું બ્લેક કલરનુ રાઉન્ડ નેક ટીશર્ટ પહેરીને આવ્યા હતા. દરમિયાનમાં આ મુદ્દે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા ગૃહની ગરિમાને શોભે તેવું ટી-શર્ટ પહેરીને આવવાની સૂચના આપવામાં આવી હતી. જોકે, વિમલ ચુડાસમાએ પોતાનો પહેરવેશ યોગ્ય હોવાનું ટાક્યું હતું.
મંત્રી જયેશ રાદડિયા પણ ટી-શર્ટ પહેરીને ગૃહમાં આવ્યા હતા. આ મામલે અધ્યક્ષે ટકોર કરતા જયેશ રાદડિયા ટી-શર્ટ બદલીને ઝભ્ભો પહેરીને આવી ગયા હતા. આ પહેલા વિધાનસભામાં ઘણા બધા ધારાસભ્યો ટી-શર્ટ પહેરીને આવતા હતા. પરંતુ એકાએક વિધાનસભાના અધ્યક્ષે ધારાસભ્યોને ટી-શર્ટ નહીં પહેરવાનો નિયમ દાખલ કરતા ધારાસભ્યોમાં નારાજગીની સાથે ફફડાટ ફેલાય ગયો હતો.