
અમદાવાદ :
અમદાવાદમાં કોરોનાના કેસમાં ધરખમ વધારો નોંધાયો છે ત્યારે હવે અમદાવાદ મ્યુનિસપલ કોર્પોરેશન તંત્ર સફાળું જાગ્યું છે. જે અંતર્ગત હવે 8 વિસ્તારમાં રાતે 10 વાગ્યા પછી હોટલ, રેસ્ટોરન્ટ, ખાણીપીણી બજાર, મોલ, ગલ્લા, ટી સ્ટોલ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ અંગે આજે મ્યુનિસિપલ કોર્પોરેશને નિર્ણય કર્યો કે જોધપુર, સાઉથ બોપલ, નવરંગપુરા, બોડકદેવ, થલતેજ, ગોતા પાલડી, ઘાટલોડિયા અને મણિનગરમાં રાતના 10 વાગ્યા પછી હોટલ-રેસ્ટોરન્ટ બંધ રહેશે. તેમજ શહેરમાં માણેકચોક અને રાયપુર ખાણીપીણી બજાર પણ બંધ રહેશે.
ઉપરોક્ત તમામ વોર્ડમાં હાલમાં રિપોર્ટ થયેલા કેસોની સંખ્યાને ધ્યાનમાં લઈને ધંધાકીય એકમ જેવા કે, રેસ્ટોરન્ટ, મોલ, શો-રૂમ, ટી-સ્ટોલ, ફરસાણ દુકાન, કાપડની દુકાન, પાન મસાલાના ગલ્લા, હેર સલૂન, સ્પા, જિમ, ક્લબ વગેરે એકમો રાતના 10 વાગ્યા બાદ બંધ રાખવાના રહેશે. આ ઉપરાંત મધ્ય ઝોનના ખાડિયા વિસ્તારમાં આવેલા માણેકચોક ખાણીપીણી બજાર તથા રાયપુર દરવાજા પાસે આવેલા રાયપુર ખાણીપીણી બજાર પણ રાતના 10 વાગ્યા પછી બંધ રાખવાનો આદેશ કરાયો છે.
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અચાનક મૌખિક આદેશથી સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરવાના બહાના હેઠળ રાત્રે 8 વાગે કોરોના જ્યાં વકરી રહ્યો છે તે 8 વોર્ડના નારણપુરા, મણિનગર, પાલડી, થલતેજ, નવરંગપુરા, અંકુર, બોડકદેવ, જોધપુર વગેરે વિસ્તારમાં રેસ્ટોરાં બંધ કરાવી દીધા હતા. જેને પગલે લોકોમાં આક્રોશ ફેલાયો હતો, જોકે પછીથી મનપાએ ફેરવી તોળ્યું હતું. જો કે હવે કોર્પોરેશને આ વિસ્તારોમાં 10 વાગ્યા પછી હોટલ-રેસ્ટોરન્ટ બંધ રાખવાનો નિર્ણય લઈ લીધો છે.