અધિક માસનું મહાત્મ્ય અને તેને પુરુષોત્તમ માસ કેમ કહેવાય છે

અધિક માસનું મહાત્મ્ય અને તેને પુરુષોત્તમ માસ કેમ કહેવાય છે

લેખક : માલાબેન રાવલ

હિંદુ પંચાંગમાં એક એવો મહિનો આવે છે જેને અધિક માસ કહેવામાં આવે છે. આ માસનું ખૂબ જ વિશેષ ધાર્મિક મહત્વ છે. સામાન્ય રીતે દરેક મહિનાનો કોઈને કોઈ દેવતા સ્વામી હોય છે, પરંતુ અધિક માસનો કોઈ સ્વામી ન હતો. તેથી લોકો તેને અશુભ માનતા અને કોઈ શુભ કાર્ય કરતા નહોતા. લગ્ન, ગૃહપ્રવેશ, વાસ્તુપૂજન જેવા મંગળકાર્યો આ મહિનામાં ટાળવામાં આવતા. લોકો તેને “મલ માસ” કહી અપમાનિત કરતા.

આ સતત અપમાન અને અવગણનાથી અધિક માસ ખૂબ દુઃખી થયો. તે દેવતાઓ પાસે સહાય માંગવા દેવલોક ગયો. તેણે દેવરાજ ઇન્દ્રને વિનંતી કરી કે તેને પણ કોઈ સ્થાન અને માન આપવામાં આવે. પરંતુ ઇન્દ્રદેવે કહ્યું કે દરેક મહિનાનો સ્વામી પહેલેથી નક્કી થયેલો છે અને તેઓ કંઈ કરી શકતા નથી.

અંતે અધિક માસ ભગવાન વિષ્ણુ પાસે પહોંચ્યો અને પોતાની વ્યથા વ્યક્ત કરી. ભગવાન વિષ્ણુએ તેને ગોલોકમાં ભગવાન શ્રીકૃષ્ણ પાસે લઈ ગયા. ભગવાન શ્રીકૃષ્ણે તેની પીડા સમજી અને ખૂબ પ્રેમથી તેને પોતાના હૃદયથી લગાવ્યો. ત્યારબાદ તેમણે કહ્યું કે હવે તું “પુરુષોત્તમ માસ” તરીકે ઓળખાશે, કારણ કે હું તને મારું પોતાનું નામ અને મહિમા અર્પણ કરું છું.

ભગવાન શ્રીકૃષ્ણના આ આશીર્વાદથી અધિક માસ પવિત્ર બની ગયો. દેવતાઓએ ફૂલોની વર્ષા કરી અને સમગ્ર ગોલોક “જય પુરુષોત્તમ”ના નાદથી ગુંજી ઉઠ્યું. ત્યારથી આ માસને સર્વોત્તમ અને પવિત્ર માનવામાં આવે છે.

પુરુષોત્તમ માસમાં જપ, તપ, વ્રત, ઉપવાસ, પૂજા, પાઠ અને દાનનું વિશેષ મહત્વ છે. આ સમયમાં ભગવાન શ્રીહરિની ભક્તિ કરવાથી અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. ગીતા પાઠ, તુલસી પૂજન, દીપદાન અને ભગવાનના નામસ્મરણથી અનેક જન્મોના પાપ નાશ પામે છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે.

ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું છે કે જે મનુષ્ય આખું વર્ષ ભક્તિ ન કરી શકે, તે જો આ એક માસમાં સચ્ચા હૃદયથી ભગવાનનું સ્મરણ કરે તો તેના દુઃખ દૂર થાય છે અને જીવનમાં સુખ-શાંતિ આવે છે. આ માસમાં કરેલું નાનું પુણ્ય પણ અનેક ગણું ફળ આપે છે.

આથી અધિક માસ માત્ર એક વધારાનો મહિનો નથી, પરંતુ આત્મશુદ્ધિ, ભક્તિ અને આધ્યાત્મિક ઉન્નતિનો પવિત્ર અવસર છે. તેથી તેને “પુરુષોત્તમ માસ” તરીકે આદર અને શ્રદ્ધાથી માનવામાં આવે છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *