
ઉનાળામાં આરોગ્યની કાળજી અને સંતુલિત આહાર જરૂરી સરળ ઘરેલુ ઉપાયો શરીરને રાખે તંદુરસ્ત અને તાજગીભર્યુ
લેખક : માલા રાવલ
આપણા દેશમાં મુખ્યત્વે ત્રણ ઋતુઓ આવે છે શિયાળો, ઉનાળો અને ચોમાસું. હાલમાં ઉનાળાની ઋતુ ચાલી રહી છે અને આ ઋતુ આપણા આરોગ્ય પર સીધી અસર કરે છે. ઉનાળામાં પરસેવો થવો સ્વાભાવિક બાબત છે, જેના કારણે શરીરમાં પાણીની માત્રા ઘટે છે. આ સ્થિતિને ડિહાઇડ્રેશન કહેવામાં આવે છે. તેથી ઉનાળામાં શરીરમાં પૂરતું પાણી જળવાઈ રહે તે માટે ખાસ કાળજી લેવી જરૂરી બને છે.
ડિહાઇડ્રેશનથી બચવા માટે પૂરતું પાણી પીવું જોઈએ. સાથે સાથે કાકડી, કલિંગર, તરબૂચ, નારિયેળ પાણી, લીંબુ પાણી તથા મધવાળું પાણી જેવા પદાર્થો લેવાથી શરીરને ઠંડક મળે છે અને તાજગી રહે છે. વારંવાર પાણી પીવાથી વજન નિયંત્રણમાં રાખવામાં પણ મદદ મળે છે.
ઉનાળામાં તીખો, તળેલો અને વધારે મસાલાવાળો ખોરાક ટાળવો જોઈએ, કારણ કે તે પચવામાં ભારે હોય છે. વધુ ગ્રેવીવાળા, તેલિયાં અને ભારે મસાલાવાળા શાક પણ આરોગ્ય માટે હાનિકારક બની શકે છે. બહારનું ખાવાનું શક્ય હોય ત્યાં સુધી ટાળવું જોઈએ. લગ્ન સમારંભો અથવા કાર્યક્રમોમાં દૂધથી બનેલી વસ્તુઓ ઓછા પ્રમાણમાં લેવી જોઈએ, કારણ કે મોટા પ્રમાણમાં બનતી આ વસ્તુઓમાં પ્રોસેસ કરેલા પદાર્થો હોય છે, જે શરીરને નુકસાન પહોંચાડી શકે છે.
ઉનાળામાં હીટ સ્ટ્રોક થવાની શક્યતા વધુ રહે છે. તેથી ગરમ તાસીરવાળા પદાર્થો ઓછા લેવાં જોઈએ. રીંગણ, અડદની દાળ અને તુવેરની દાળ જેવા ખોરાકથી પિત્ત અને એસિડિટી થવાની શક્યતા રહે છે. તેથી સાદો, સરળ અને પચવામાં હલકો આહાર લેવો વધુ યોગ્ય ગણાય.
કાકડી-ટામેટાનું કચુંબર, કાકડીનું રાયતું, કાચી કેરી અને કાંદાનું ગોળ સાથેનું કચુંબર અથવા કાચી કેરી-ગોળનું શાક શરીરની અંદરની ગરમી ઘટાડવામાં મદદરૂપ બને છે. ઉઘાડેલા કઠોળ જેવા કે મગ, મઠ અને મગની દાળને કઢી સાથે બનાવી ખાવાથી પણ શરીરને પોષણ મળે છે.
અત્યારે અથાણાની સિઝન હોવાથી કેરી-ગુંદાનું અથાણું, છુંદો વગેરે રોટલી સાથે લઈ શકાય છે, જેથી શાકનું પ્રમાણ ઓછું થઈ જાય છે. શકરટેટીમાં સાકર નાખીને રોટલી સાથે ખાવાથી પણ શરીરને ઠંડક મળે છે.
કારેલાનું શાક, કારેલાનો રસ, ગલકા, તુરીયા, પરવર, સોલી, તાંદરજાની ભાજી તથા પાલક જેવી લીલી શાકભાજી શરીરને ઠંડક આપે છે. આ વસ્તુઓ સરળતાથી પચી જાય છે, પેટ સાફ રાખે છે અને આંખોને પણ ઠંડક આપે છે.
ફુદીનાનું પાણી, દહીં અને છાશ જેવા ઠંડકદાયક પદાર્થો ઉનાળામાં ખૂબ લાભદાયક છે. આ પદાર્થો પચવામાં હલકા હોય છે, પેટને ઠંડક આપે છે અને ઘરગથ્થુ બજેટમાં પણ સરળતાથી ફીટ બેસે છે.
આ રીતે સંતુલિત આહાર અને ઘરેલુ ઉપાયો અપનાવીને આપણે ઉનાળાની ઋતુમાં આરોગ્યનું યોગ્ય ધ્યાન રાખી શકીએ છીએ અને શરીરને તંદુરસ્ત રાખી શકીએ છીએ.