
School on Wheels : અગરિયા સમુદાયના બાળકોના શિક્ષણ માટે ગુજરાત સરકારની ‘સ્કૂલ ઓન વ્હીલ્સ’ પહેલ, 28 રણશાળા બસોનું લોકાર્પણ
School on Wheels : ગાંધીનગર: રાજ્યમાં સર્વસમાવેશી શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકારે અંતરિયાળ રણ અને મીઠું પકવતા વિસ્તારોમાં રહેતા અગરિયા પરિવારોના બાળકો માટે ‘સ્કૂલ ઓન વ્હીલ્સ’ (રણશાળા) પ્રોજેક્ટનો પ્રારંભ કર્યો છે. રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવના પ્રારંભ સાથે ગાંધીનગરના પથિકાશ્રમ એસ.ટી. ડેપો ખાતેથી 28 રણશાળા બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું.

School on Wheels : આ પ્રોજેક્ટ અંતર્ગત GSRTCની નિવૃત્ત બસોને આધુનિક અને સુવિધાસભર મોબાઇલ ક્લાસરૂમમાં રૂપાંતરિત કરવામાં આવી છે. રણશાળા બસો સુરેન્દ્રનગર, પાટણ, કચ્છ અને મોરબી જિલ્લાના અગરિયા વિસ્તારોમાં કાર્યરત રહેશે, જ્યાં મોસમી સ્થળાંતરને કારણે બાળકોના શિક્ષણમાં વિક્ષેપ સર્જાતો હોય છે.
School on Wheels : રણશાળા બસોમાં 20થી વધુ બાળકો માટે અભ્યાસની વ્યવસ્થા કરવામાં આવી છે. બસો સોલાર એનર્જીથી સંચાલિત છે અને તેમાં 43 ઇંચના સ્માર્ટ ટીવી, ડિશ ટીવી કનેક્ટિવિટી, એફએમ રેડિયો, એલઇડી લાઇટિંગ, વોલ ફેન તેમજ ઓનલાઇન અને ઓફલાઇન શિક્ષણ માટે જરૂરી શૈક્ષણિક સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. 3.8 KVA ઓફ-ગ્રીડ સોલાર પાવર પ્લાન્ટથી સજ્જ આ બસો વીજળીના જોડાણ વિના પણ 48 કલાક સુધી કાર્યરત રહી શકે છે.

School on Wheels : બાળકો માટે પોર્ટેબલ સ્ટડી ટેબલ, બેઠક વ્યવસ્થા, ફોલ્ડેબલ શેડ નેટ, બ્લેકબોર્ડ, વ્હાઇટબોર્ડ, નોટિસ બોર્ડ, શુદ્ધ પીવાના પાણીની સુવિધા, વોશ બેસિન, શિક્ષકો માટે અલગ કેબિન અને લાઇબ્રેરી સ્પેસ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
School on Wheels : સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને ઇન્ડોર અને આઉટડોર રમતોની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તેમાં લુડો, સાપ-સીડી, મોડેલ ક્લોક, હિંચકા, લપસણી અને બાસ્કેટબોલ સેટઅપનો સમાવેશ થાય છે. ઉપરાંત હેલ્થ મોનિટરિંગ માટે ડિજિટલ વેઇંગ સ્કેલ, હાઇટ મેઝરમેન્ટ સિસ્ટમ અને BMI ચાર્ટ પણ ઉપલબ્ધ છે.
School on Wheels : સુરક્ષા અને સ્વચ્છતા માટે દરેક બસમાં ઇમરજન્સી એક્ઝિટ, અગ્નિશામક ઉપકરણો, ફર્સ્ટ-એઇડ કીટ, ડસ્ટબિન અને સેનિટાઇઝેશન કીટની વ્યવસ્થા કરવામાં આવી છે. બસોની અંદર અને બહાર શૈક્ષણિક ગ્રાફિક્સ, આર્ટવર્ક અને વિવિધ શિક્ષણલક્ષી વિઝ્યુઅલ ડિસ્પ્લે લગાવવામાં આવ્યા છે.
સમગ્ર શિક્ષા અભિયાન, શિક્ષણ વિભાગ અને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)ના સંયુક્ત ઉપક્રમે અમલમાં મુકાયેલા આ પ્રોજેક્ટનો હેતુ મોસમી સ્થળાંતરને કારણે શિક્ષણથી વંચિત રહેતા 6થી 14 વર્ષના બાળકો સુધી શિક્ષણ પહોંચાડવાનો છે.
School on Wheels : ઉલ્લેખનીય છે કે કુલ 28 રણશાળા બસોમાંથી સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં 20, પાટણ જિલ્લાના સાંતલપુરમાં 4, કચ્છના અંજારમાં 2 અને મોરબીના માળિયામાં 2 બસો કાર્યરત કરવામાં આવી છે.