બાળકોના 100 ટકા નામાંકનથી શિક્ષણ ‘સેવાયજ્ઞ’ને વધુ વેગવાન બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું આહ્વાન

બાળકોના 100 ટકા નામાંકનથી શિક્ષણ ‘સેવાયજ્ઞ’ને વધુ વેગવાન બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું આહ્વાન

વડનગર : રાજ્યમાં શિક્ષણના વ્યાપ અને ગુણવત્તાને વધુ મજબૂત બનાવવા માટે યોજાયેલા રાજ્યવ્યાપી 24મા ‘શાળા પ્રવેશોત્સવ’નો પ્રારંભ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શિક્ષણ મેળવેલી વડનગરની ઐતિહાસિક બી.એન. હાઇસ્કૂલથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ બાળકોના 100 ટકા નામાંકન દ્વારા શિક્ષણના આ મહાયજ્ઞને વધુ વેગવાન બનાવવા સૌને આહ્વાન કર્યું હતું.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે શિક્ષણ માત્ર જ્ઞાન પ્રાપ્ત કરવાનો માધ્યમ નથી, પરંતુ બાળકોના સર્વાંગી વિકાસ અને રાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્યનું પાયાનું સાધન છે. રાજ્ય સરકાર દરેક બાળક સુધી ગુણવત્તાયુક્ત શિક્ષણ પહોંચાડવા પ્રતિબદ્ધ છે અને શાળા પ્રવેશોત્સવ એ આ પ્રતિબદ્ધતાને સાકાર કરતો લોકોત્સવ બની ગયો છે.

કાર્યક્રમ દરમિયાન અભ્યાસક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા તેજસ્વી વિદ્યાર્થીઓ તેમજ કલા, રમતગમત સહિત વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનારા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું મુખ્યમંત્રી ના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતાં તેમણે જીવનમાં શિસ્ત, સંસ્કાર અને મહેનતનું મહત્વ સમજાવ્યું હતું.

શિક્ષણ સાથે સામાજિક જવાબદારીનું ભાન પણ વિદ્યાર્થીઓમાં વિકસે તે હેતુસર કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓએ વાહન-વ્યવહારના નિયમોનું ચુસ્ત પાલન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. માર્ગ સલામતી અંગે જાગૃતિ લાવવા માટેનો આ પ્રયાસ સૌના ધ્યાનનું કેન્દ્ર બન્યો હતો.

મુખ્યમંત્રી એ શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણ અને જાળવણીનો સંદેશ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે વૃક્ષોનું સંવર્ધન અને પ્રકૃતિ પ્રત્યેની સંવેદના આગામી પેઢીને સ્વસ્થ અને સુરક્ષિત ભવિષ્ય આપવાનો મહત્વપૂર્ણ માર્ગ છે.

આ ઉપરાંત મુખ્યમંત્રી એ વિદ્યાર્થીઓ, શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો તેમજ સંચાલક મંડળના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી. બેઠક દરમિયાન શૈક્ષણિક ગુણવત્તા, વિદ્યાર્થીઓને મળતી સુવિધાઓ, આધુનિક શિક્ષણ પદ્ધતિઓ તેમજ શિક્ષણ ક્ષેત્રે વધુ સુધારાના મુદ્દાઓ પર વિસ્તૃત પરામર્શ કરવામાં આવ્યો હતો.

રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવના આ પ્રારંભ સાથે રાજ્યના દરેક બાળકને શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે જોડવાનો સંકલ્પ વધુ મજબૂત બન્યો છે અને શિક્ષણના ‘સેવાયજ્ઞ’ને નવી દિશા અને ગતિ પ્રાપ્ત થઈ છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *