
ચારે બાજુ ઝાડી-ઝાંખરાનું સામ્રાજ્ય છવાયુંઃ નગરપાલિકાનું તંત્ર તાત્કાલિક મહા સફાઈ અભિયાન હાથ ધરે તેવી કોંગ્રેસ દ્વારા થઈ ઉગ્ર રજૂઆત
પોરબંદર હિન્દુ સ્મશાનભૂમિના અંદરના ભાગે આવેલ બાળ સ્મશાન તંત્રની જાળવણીના અભાવે અઘોચરમાં ફેરવાઈ ગયું છે અને તાત્કાલિક સાફ સફાઈ કરવામાં નહીં આવે તો પરિસ્થિતિ વધુ ખરાબ બનશે તેમ જણાવીને પોરબંદર કોંગ્રેસ દ્વારા ઉચ્ચકક્ષાએ રજૂઆત થઈ છે.
પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ સેક્રેટરી અને પોરબંદર કોંગ્રેસના સિનિયર આગેવાન રામદેવભાઈ મોઢવાડીયાએ નગરપાલિકાના તંત્રને કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે પોરબંદર શહેરમાં આપના હસ્તક આવેલ હિંદુ સ્મશાન ભૂમિ ના બાળસ્મશાનમાં ચારેબાજુ ઝાળી જાખરાનું સામ્રાજય છવાઈ ગયું છે પાલિકાના તંત્રની બેદરકારીને લીધે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અહીંયા બાળકોના મૃતદેહને દફનાવવા માટે જે ચાર વિભાગ બનાવવામાં આવ્યા છે. તેમાંથી બે વિભાગમાં કુંડીઓની ફરતે ઝાળી ઝાંખરા ઉગી નીકળ્યા છે અને તેના કારણે મૃતદેહોને દફનાવવા આવતા લોકોમાં પણ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. અહીંયા અગાઉ કુતરા મૃતદેહોને રેતી ખોદીને બહાર ફેંકી દેતા હતા ત્યારે માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થિત રીતે કુંડી બનાવીને બાળકોની દફનવિધિ વ્યવસ્થિત રીતે થાય તે માટે આયોજન કરવામાં આવ્યું છે પણ પાલિકાનું તંત્ર તેની જાળવણીમાં ઉઘસીન હોવાથી અહીંયા ચારેબાજુ કચરો ઊડી રહ્યો છે તથા ઝાળી ઝાંખરા લીધે સર્પ જેવા જીવજંતુઓનો ઉપદ્રવ પણ વધવા પામ્યો છે માટે નગરપાલિકાના તંત્રે પોતાની આળસ ખંખેરીને અહીંયા પણ વ્યવસ્થિત સાફ સફાઈ થાય તે માટે તાત્કાલિક કામગીરી હાથ ધરવી જોઈએ.
કોંગી આગેવાનોએ કરેલી રજૂઆતમાં એમ પણ જણાવ્યું છે કે અહીંયા મૃતદેહોનો મલાજો જાળવવામાં પણ તંત્ર નિષ્ફળ નિવડયું છે કારણ કે પોરબંદરમાં જ્યાં બાળકોને દફનાવવામાં આવે છે તે સ્થળે પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં પણ જો તંત્ર નિષ્ફળ જાય તો તે પાલિકા માટે શરમજનક બાબત છે.
પોરબંદર કોંગ્રેસના આગેવાનોએ નગરપાલિકાને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે પાલિકાનું તંત્ર વિકાસની વાતો કરે છે પરંતુ અંતિમ ધામ એવા બાળ સ્મશાનમાં પણ સાફ સફાઈ કરવા માટે પણ તંત્ર ગંભીર બને નહીં તો તે ભયંકર બેદરકારી છે માટે વહેલી તકે આ બાબતે ગંભીરતા ઘખવીને યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગણી થઈ છે.
અનુસૂચિત જાતિના સ્મશાનમાં પણ અનેક સમસ્યાઓ
માત્ર બાળ સ્મશાનની જ નહિ પરંતુ અનુસૂચિત જાતિના સ્મશાનની પણ જાળવણી કરવામાં તંત્ર નિષ્ફળ નિવડયું છે તેમ જણાવીને કોંગ્રેસ દ્વારા થયેલી રજૂઆતમાં જણાવ્યું છે કે નગરપાલિકાએ અનુસૂચિત જાતિના સ્મશાનમાં શ્વાનનો ત્રાસ વધ્યો છે તેથી તેને દૂર કરવા માટે પણ કાર્યવાહી કરવી જોઈએ અહિયાં શ્વાન તથા શિયાળ જેવા પશુઓ આવી શકે નહીં તે માટે ફરતે ફેન્સીંગની વ્યવસ્થા કરી આપવી જોઈએ તેમજ દફનાવાયેલા મૃતદેહ ફરતે સાફ- સફાઈ કરવી જોઈએ