
ગુજરાત વિધાનસભામાં વિપક્ષના હોબાળા વચ્ચે ધર્મ સ્વતંત્રતા સુધારા વિધેયક 2021 બહુમતીથી પાસ થઈ ગયું છે. ગુજરાત સરકારે પણ મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશની જેમ આજે વિધાનસભામાં લવ-જેહાદના કાયદા અંગેનું બીલ રજૂ કર્યું હતું. અને પાસ પણ કરાવ્યું છે. જો કે, આ બીલ રજૂ કરતા જ વિપક્ષમાં બેઠેલા કેટલાક લોકોએ હંગામો મચાવી દીધો હતો. અને બીલને એક સમાજ વિરોધી ગણાવ્યું. જ્યારે વિપક્ષમાં બેઠેલા કેટલાક લોકએ તેને યોગ્ય પણ ઠેરવ્યું.
ગુજરાત સરકાર પણ ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશની સરકારની જેમ રાજ્યમાં લવ-જેહાદનો કાયદો લાગું કરવામાં આવ્યો છે. વિધાનસભાના બજેટસત્રના છેલ્લા દિવસે ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 2003માં સુધારો કરીને કાયદો પસાર કરવામાં આવ્યો. અને ગુજરાતમાં લવ-જેહાદના નામે ચાલતી ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિ પર પ્રતિબંધ લગાવવા બીલ રજૂ કરાયું હતું. આ લવ-જેહાદનો કાયદો ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક 2021ના નામે વિધાનસભામાં દાખલ કરવામાં આવ્યો અને ભારે બહૂમતિ સાથે પસાર પણ થઈ ગયો.
ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વિધાનસભામાં જેવો જ કાયદાને રજૂ કર્યો કે, વિરોધીઓએ હોબાળો મચાવી દીધો. વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ આ કાયદાના વિરોધમાં કર્યું કે, હું નખશીખ હિન્દુ છું અને હિન્દુ હોવાનું મને ગૌરવ છે. હિંદુ ધર્મમાં 33 કરોડ દેવી દેવતાઓ છે. પરંતુ મુઠ્ઠી ભર લોકો અયોધ્યામાં તમે માથું નમાવો તો જ હિન્દુ હોવાનું સર્ટીફિકેટ વહેંચવા નીકળ્યા છે. અમને તેનો વિરોધ છે. બીજી તરફ ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ પણ કાયદાને અયોગ્ય ઠેરવીને આ બીલને ફાડી નાંખ્યું હતું. બીલ ફાડી નાંખતાં જ પ્રદિપસિંહ જાડેજાએ ખેડાવાલા વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
વિધાનસભામાં પસાર કરાયેલા કાયદા અંતર્ગત દંડ અને સજાની જોગવાઈ વધુ આકરી બનાવવામાં આવી છે. ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 2003માં સુધારા કરીને પ્રલોભન, બળજબરી, ગેરરજૂઆત અથવા બીજા કોઈ કપટયુક્ત સાધન મારફત ધર્મ પરિવર્તન કરાયું હોવાનું જણાશે તો, તેવા કિસ્સામાં દંડ અને સજાની જોગવાઈ વધુ આકરી બનાવવામાં આવશે.