
સુપ્રીમે કોર્ટે આપ્યો મોદી સરકારને તગડો ઝટકો, નવા કૃષિ કાયદાના અમલ પર સુપ્રીમ કોર્ટની મનાઈ
નવો આદેશ ના થાય સુધી ત્રણેય કાયદા પર રોક, ખેડૂતોના મુદ્દાઓના સમાધાન માટે કમિટીની રચના
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ એસ એ બોબ્ડે સાક્ષાત ભગવાન: વકીલ શર્મા
૪૮ દિવસથી ચાલી રહેલા ખેડૂત આંદોલન મામલે સુપીમે કોર્ટે મંગળવારે મોદી સરકારને તગડો ઝટકો આપ્યો હતો.ખેડૂત આંદોલન અને કૃષિ કાયદા પર સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે નવા આદેશ સુધી ત્રણેય નવા કાયદા પર રોક લગાવી દીઘી છે અને ખેડૂતોના મુદ્દાઓના સમાધાન માટે કમિટીની રચના પણ કરી છે.
દિલ્હી સરહદે છેલ્લાં ૪૮ દિવસથી આંદોલન ચલાવી રહેલા ખેડૂત સંગઠનોને મંગળવારે આંશિક જીત મળી હતી.સંસદ દ્વારા ધ્વની મતથી પસાર કરેલા ત્રણેય નવા કૃષિ કાયદા પર સુપ્રીમ કોર્ટે નવો આદેશ ના થાયત્યાં સુધી મનાઈ ફરમાવી દીઘી છે. કૃષિ કાયદા પર સુપ્રીમ કોર્ટ દ્વારા મનાઈ ફરમાવવામાં આવ્યા બાદ કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા વકીલ એમ એલ શર્માએ મુખ્ય ન્યાયમૂર્તિ એસ એ બોબડેની મુક્ત મને પ્રશંસા કરી હતી.ખેડૂત સંગઠનના વકીલ એમ એલ શર્માએ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ એસ એ બોબ્ડેને સાક્ષાત ભગવાન ગણાવ્યા હતા.
સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં ખેડૂતોના મુદ્દાઓના સમાધાન માટે ચાર સભ્યની કમિટીની રચના પણ કરી છે. જેમાં ભારતીય કિસાન યુનિયનના અધ્યક્ષ ભુપેન્દ્રસિંહ માન,અંતરાષ્ટ્રીય ખાધ નીતિ અનુસંધાન સંસ્થાના ડોક્ટર પ્રમોદ જોશી,કૃષિ અર્થશાસ્ત્રી અશોક ગુલાટી અને મહારાષ્ટ્રના શિવકેરી સંગઠનના અનીલ ઘનવટનો સમાવેશ કર્યો છે.
સુપ્રીમ કોર્ટે સતત બીજા દિવસે મોદી સરકારની આકરી ઝાટકણી કાઢી હતી.સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે કાયદાની વૈધતા અને નાગરિકોના જીવન અંગે ચિંતિત છે. મુખ્ય ન્યાયમૂર્તિ એસ એ બોબ્ડેએ કહ્યું હતું કે આ કમિટી સૌને સાંભળશે.જેને પણ આ મુદ્દાનું સમાધાન જોઈતું હોય તે કમિટી પાસે જઈ શકે છે. આ કમિટી કોઈ આદેશ નહિ આપે કે સજા પણ નહિ કરે.તે માત્ર અમને રીપોર્ટ સોંપશે.તેમણે કહ્યું હતું કે અમે એક કમિટીની રચના કરીએ છીએ જેથી અમારી પાસે સ્પષ્ટ ચિત્ર આવી શકે.અમે એ પણ સાંભળવા માંગતા નથી કે ખેડૂત કમિટી સમક્ષ નહિ જાય.અમે સમસ્યાનું સમાધાન ઈચ્છીએ છીએ.જો તમે અનિશ્ચિત સમું સુધી પ્રદર્શન કરવા માંગતા હોય તો કરી શકો છો.
ખેડૂત સંગઠનના અન્ય વકીલ વિકાસ સિંહે કહ્યું હતું કે ખેડૂત પ્રદર્શન સ્થળથી એ જગ્યાએ જ જશે જ્યાંથી પ્રદર્શન ધ્યાનમાં આવી શકે નહીતર પ્રદર્શનનો કોઈ મતલબ ના રહે.પ્રદર્શન માટે રામલીલા મેદાન આપવામાં આવે.જેના પર સુપ્રીમકોર્ટે કહ્યું હતું કે રામલીલા મેદાન અથવા અન્ય કોઈ સ્થળ પર પ્રદર્શન માટે પોલીસ કમિશનર સમક્ષ ખેડૂત અરજી કરી શકે છે એ આદેશ કરી શકીએ.
અત્રે એ ઉલ્લેખનીય છે કે છેલ્લાં ૪૮ દિવસથી વિવિધ ખેડૂત સંગઠનો દ્વારા દિલ્હી સરહદે નવા કૃષિ કાયદા રદ્દ કરવાની માંગ સાથે આંદોલન કરવામાં આવી રહ્યું છે. જેને દિન પ્રતિદિન સમર્થન મળતું જાય છે.