
કૃષિ કાયદા પર સ્ટે આપવાનો સુપ્રીમે આપ્યો સંકેત
ઉકેલ લાવવાની સરકારની રીત પર સુપ્રીમે વ્યક્ત કરી નારાજગી
સુપ્રીમ કોર્ટે કૃષિ કાયદા પર સોમવારે કડક વલણ અપનાવતાં મોદી સરકારની આકરી ઝાટકણી કાઢી હતી.સુપ્રીમ કોર્ટે મોદી સરકારને સ્પષ્ટ શબ્દોમાંપૂછ્યું હતું કે તે કાયદો સ્થગિત કરે છે કે પછી તે તેના પર મનાઈ હુકમ ફરમાવે ?કોર્ટે કહ્યું હતું કે ખેડૂતોની ચિંતાઓ કમિટી સામે રજુ કરવાની જરૂર છે.ખેડૂતના આંદોલનનો ઉકેલ લાવવાની સરકારની પદ્ધતિ પર પણ સુપ્રીમે નારાજગી વ્યક્ત કરી હતી.
દિલ્હી સરહદે ચાલી રહેલા ખેડૂત આંદોલન મામલે સુપ્રીમ કોર્ટમાં સોમવારે સુનાવણી યોજાઈ હતી.સુપ્રીમ કોર્ટે નવા કૃષિ કાયદા પર સ્ટે મુકવાનો પણ સંકેત આપ્યો હતો.સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ એસ એ બોબ્ડેએ કહ્યું હતું કે આજની સુનાવણી બંધ કરીએ છીએ.
સુપ્રીમ કોર્ટે મોદી સરકારને કહ્યું હતું કે અમે નથી સમજતા કે તમે આંદોલનને યોગ્ય રીતે હેન્ડલ કર્યું હોય.હાલ અમે કાયદાના મેરીટ પર નથી જઈ રહ્યા પરંતુ અમારી ચિંતા ખેડૂત આંદોલનના કારણે ઉભી થયેલી સ્થિતિ અંગે છે.ખેડૂત સંગઠનના વકીલ દુષ્યંત દવેએ કહ્યું હતું કે અમે ૨૬ જાન્યુઆરીએ ટ્રેક્ટર માર્ચ કરવા જઈ રહ્યા છીએ.આટલો મહત્વપૂર્ણ કાયદો સંસદમાં ચર્ચા વિના ધ્વની મતથી કેવી રીતે પાસ થઇ ગયો.ત્યારે મુખ્ય ન્યાયમૂર્તિ એસ એ બોબ્ડેએ કહ્યું હતું કે અમને ખુશી છે કે દવે એ પોતાની રજૂઆત કરી.
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે અમે પ્રદર્શન વિરુદ્ધ નથી પરંતુ જો કાયદા પર સ્ટે આપવામાં આવે તો ખેડૂત શું આંદોલન સ્થળથી ઘરે પરત જતા રહેશે? સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ખેડૂત કાયદો પરત લેવા ઈચ્છે છે જયારે સરકાર મુદાઓ પર વાત કરવા માંગે છે.અમે કમિટી બનાવીશું અને કમિટીની વાતચીત ચાલે ત્યાં સુધી કાયદાના અમલ પર અમે મનાઈ ફરમાવીશું.સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે અમે પ્રસ્તાવ મુકીએ છીએ કે ખેડૂતોના મુદ્દાઓના સમાધાન માટે કમિટી બને.અમે એ પણ પ્રસ્તાવ મુકીએ છીએ કે કાયદાના અમલ પર રોક લાગે.આ મુદ્દે જેને પણ દલીલ રજુ કરવી હોય તે કરી શકે.
મુખ્ય ન્યાયાધીશ એસ એ બોબ્ડેએ સરકાર વતી હાજર વકીલ હરીશ સાલ્વેને કહ્યું હતું કે બધું એક આદેશ કરીને હાંસલ ના કરી શકાય.ખેડૂત કમિટી પાસે જઈ શકે છે.નાગરિકો ઘરણા ના કરી શકે તેવો કોઈ આદેશ કોર્ટ ના આપી શકે.સ્થિત દિન પ્રતિ દિન બગડી રહી છે.ખેડૂત આત્મહત્યા કરી રહ્યાછે અને શિયાળામાં સફર કરી રહ્યા છે.જેની સામે હરીશ સાલ્વેએ કહ્યું હતું કે જો કોર્ટ કાયદા પર સ્ટે આપે તો ખેડૂત પોતાનું આંદોલન પરત લઇ લે .ત્યારે મુખ્ય ન્યાયમૂર્તિ એસ એ બોબ્ડેએ કહ્યું હતું કે ખેડૂત કાયદાની વિરુદ્ધમાં પ્રદર્શન કરી રહ્યા છે.તેમણે પોતાની સમસ્યા કમિટી સમક્ષ રજુ કરવા સુચન કરો.કમિટી રીપોર્ટ ફાઈલ કરશે ત્યાર બાદ અમે કાયદા પર નિર્ણય કરીશું.

મુખ્ય ન્યાયમૂર્તિ એસ એ બોબ્ડેએ કહ્યું હતું કે અમે અમારો મત બધાને સ્પષ્ટ કરી દેવા માંગીએ છીએ.અમે આ મુદ્દાનું સર્વમાન્ય સમાધાન ઈચ્છીએ છીએ.આ કારણ થી જ ગત સુનાવણીમાં કેન્દ્ર સરકારને અમે સૂચન કર્યું હતું કે શા માટે આ કાયદાનો થોડા દિવસ માટે અમલ મોકૂફ રાખે.કાં તો તમે સમાધાન છો અથવા તો સમસ્યા. તમે સ્પષ્ટ કરો કે કાયદા પર રોક લગાવશો કે નહિ? નહીતર અમે રોક લગાવીશું.
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ એસ એ બોબ્ડેએ કહ્યું હતું કે જે રીતે પ્રક્રિયા ચાલી રહી છે કે તેનાથી અમે નિરાશ છીએ.તેમણે એટર્ની જરનલને કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટ સરકાર દ્વારા આંદોલનને હેન્ડલ કરવાની રીતથી ખુબ જ નારાજ છે.કોર્ટ પણ કહ્યું હતું કે અમને પણ નથી ખબર કે કાયદો બનાવતા પહેલા કેવા પ્રકારની પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું હતું.
અત્રે એ ઉલ્લેખનીય છે કે ડીએમકે ના સાંસદ તીરુચી સિવા,આરજેડી સાંસદ મનોજ કુમાર ઝાએ ત્રણેય કૃષિ કાયદાની વૈધતા પર સવાલ ઉઠાવીને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.
આગામી ૧૫ જાન્યુઆરીએ કેન્દ્ર સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે બેઠક યોજાવાની છે ત્યારે સુપ્રીમ કોર્ટમાં યોજાયેલી સુનાવણી મહત્વપૂર્ણ છે.૬ જાન્યુઆરીએ પણ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે સ્થિતિમાં કોઈ સુધારો આવ્યો નથી.