ST બસમાં અપડાઉન કરતા મુસાફરો માટે મોટી રાહત: દૈનિક પાસ યોજનામાં 50% સુધી ભાડા રાહત

ST બસમાં અપડાઉન કરતા મુસાફરો માટે મોટી રાહત: દૈનિક પાસ યોજનામાં 50% સુધી ભાડા રાહત

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા ST બસમાં રોજિંદા અપડાઉન કરતા મુસાફરો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. નોકરિયાતો, શ્રમજીવીઓ, વેપારીઓ અને ધંધાર્થીઓના આર્થિક હિતને ધ્યાનમાં રાખીને દૈનિક મુસાફર પાસ યોજનાના નિયમોમાં લોકહિતલક્ષી સુધારો કરવામાં આવ્યો છે.

નવા સુધારા મુજબ દૈનિક મુસાફર પાસ યોજનામાં ભાડા રાહત વધારીને 50 ટકા સુધી કરવામાં આવી છે. આ નિર્ણયથી રાજ્યમાં જાહેર પરિવહનનો નિયમિત ઉપયોગ કરતા લાખો મુસાફરોને સીધો આર્થિક લાભ મળશે.

15 દિવસના ભાડામાં 30 દિવસની મુસાફરી

GSRTC દ્વારા માસિક પાસના ભાડા માળખામાં ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ 30 દિવસના માસિક પાસ માટે મુસાફરે 18 દિવસનું ભાડું ચૂકવવું પડતું હતું. હવે આ રકમ ઘટાડીને માત્ર 15 દિવસનું ભાડું કરવામાં આવી છે.

એટલે કે મુસાફરો હવે માત્ર 15 દિવસના ભાડામાં પૂરા 30 દિવસ સુધી મુસાફરી કરી શકશે.

45 દિવસના ભાડામાં 90 દિવસનો લાભ

ત્રિમાસિક પાસ ધારકો માટે પણ રાહત આપવામાં આવી છે. અગાઉ 90 દિવસના પાસ માટે 54 દિવસનું ભાડું વસૂલવામાં આવતું હતું. હવે મુસાફરે માત્ર 45 દિવસનું ભાડું ચૂકવીને 90 દિવસ સુધી મુસાફરી કરી શકશે.

આ ફેરફારથી લાંબા સમય સુધી નિયમિત ST બસનો ઉપયોગ કરતા મુસાફરોના મુસાફરી ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થશે.

2.5 લાખથી વધુ મુસાફરોને સીધો લાભ

GSRTCના આ નિર્ણયથી રાજ્યમાં દૈનિક ધોરણે ST બસમાં અપડાઉન કરતા આશરે 2.5 લાખથી વધુ નોકરિયાતો, શ્રમજીવીઓ, વેપારીઓ અને નાના-મોટા વ્યવસાયીઓને લાભ મળવાની શક્યતા છે.

નિગમનો હેતુ મુસાફરો પરનો આર્થિક બોજ ઘટાડવાની સાથે સલામત, સુવિધાજનક અને ગુણવત્તાસભર જાહેર પરિવહન સેવાનો વધુ ઉપયોગ કરવા માટે લોકોને પ્રોત્સાહિત કરવાનો છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *