
ભાવનગરમાં નકલી દારૂકાંડની તપાસ SMCને સોંપાઈ, હર્ષ સંઘવીની મોડી રાત્રે ઇમરજન્સી બેઠક
ભાવનગરમાં નકલી દારૂના વેચાણ બાદ થયેલા મોત અને અનેક લોકોની તબિયત લથડવાની ગંભીર ઘટનાને પગલે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું છે. નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ ખાતે ઉચ્ચ પોલીસ અને સરકારી અધિકારીઓ સાથે ઇમરજન્સી બેઠક યોજી હતી.

બેઠકમાં રાજ્ય પોલીસ વડા જી.એસ. મલિક, આઈબીના વડા, અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન ભાવનગરની ઘટનાની સ્થિતિ, અત્યાર સુધીની કાર્યવાહી અને આગળના પગલાં અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
SMCને તપાસ સોંપાઈ
સૂત્રોના જણાવ્યા મુજબ, સમગ્ર નકલી દારૂકાંડની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ને સોંપવામાં આવી છે. ભાવનગરના એસપી મયુર ચાવડાને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને તપાસની દેખરેખ રાખવા તેમજ જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે.
સંઘવી પહોંચે તે પહેલાં જ અધિકારીઓ એરપોર્ટ પર પહોંચ્યા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્ય સચિવ એમ.કે. દાસ સહિત ઉચ્ચ IAS અધિકારીઓ સાથે વાયબ્રન્ટ ગુજરાતના કાર્યક્રમો માટે વિદેશ પ્રવાસે છે. બીજી તરફ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દિલ્હી પ્રવાસ બાદ મંગળવારે મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પર પરત ફર્યા હતા.
સંઘવીના આગમન પહેલાં જ રાજ્ય પોલીસ વડા જી.એસ. મલિક, અધિક પોલીસ મહાનિર્દેશક, અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિતના ઉચ્ચ પોલીસ અને સરકારી અધિકારીઓ એરપોર્ટ પર પહોંચી ગયા હતા. ત્યારબાદ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક બેઠક યોજાઈ હતી.
હાલ ભાવનગરમાં નકલી દારૂકાંડની તપાસ તેજ કરવામાં આવી છે અને ઘટનામાં સંડોવાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરવાની દિશામાં પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
