
અમદાવાદમાં અંધશ્રદ્ધાનો ચોંકાવનારો કિસ્સો: ‘ભૂતનો વળગાડ’ દૂર કરવાની વિધિના નામે સગીરા સાથે દુષ્કર્મ
અમદાવાદ: સોલા વિસ્તારમાં અંધશ્રદ્ધાના નામે સગીરા સાથે દુષ્કર્મ આચર્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પરિવારની 15 વર્ષીય દીકરી બીમાર પડતાં પરિવારે ઓળખીતા ભુવાનો સંપર્ક કર્યો હતો. આરોપીએ સગીરાને ‘ભૂતનો વળગાડ’ હોવાનું કહી વિધિના નામે પરિવારને વિશ્વાસમાં લીધો અને ત્યારબાદ સગીરા સાથે ગંભીર ગુનો આચર્યાનો આરોપ છે.
‘ભૂતનો વળગાડ’ હોવાનું કહી પરિવારને વિશ્વાસમાં લીધો
મળતી માહિતી મુજબ, સોલા વિસ્તારમાં રહેતી 15 વર્ષીય સગીરા એક વર્ષ પહેલાં બીમાર પડી હતી. પરિવાર ચિંતિત હોવાથી તેમણે ઓળખીતા ભુવા ચંદ્રકાંત પંચાલનો સંપર્ક કર્યો હતો. આરોપીએ સગીરાને ભૂતનો વળગાડ હોવાનું કહી તેને દૂર કરવા માટે વિશેષ વિધિ કરવાની જરૂર હોવાનું જણાવ્યું હતું.
પરિવાર આરોપીની વાતમાં વિશ્વાસ રાખી વિધિ માટે તૈયાર થયો હતો. ત્યારબાદ આરોપી સગીરાના ઘરે પહોંચ્યો હતો.
માતા-પિતાને રૂમની બહાર મોકલી કથિત દુષ્કર્મ
વિધિના બહાને આરોપીએ સગીરાના માતા-પિતાને રૂમની બહાર મોકલી દીધા હતા. ત્યારબાદ રૂમમાં સગીરા સાથે એકલા રહી કથિત રીતે તેને કેફી પીણું પીવડાવી દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે.
આરોપીએ ત્યારબાદ પણ વિધિના નામે સગીરાને પોતાના ઘરે બોલાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદમાં વિગતો સામે આવી છે.
આર્થિક સ્થિતિ સુધારવાની લાલચ અને ધમકીનો આરોપ
સગીરાના પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાનું જાણીને આરોપીએ પરિવારની સ્થિતિ સુધારી દેવાની તથા સોનું મળવાની લાલચ પણ આપી હોવાનું સામે આવ્યું છે.
સગીરાએ કોઈને જાણ ન કરે તે માટે આરોપીએ ધમકી આપી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
સોશિયલ મીડિયા પર ફોટા મૂક્યા બાદ સમગ્ર મામલો સામે આવ્યો
આરોપીએ સગીરા સાથેના ફોટા સોશિયલ મીડિયા પર મૂક્યા હોવાની માહિતી સામે આવ્યા બાદ તેના સગાસંબંધીઓને આ બાબતની જાણ થઈ હતી. ત્યારબાદ પરિવારજનોએ સગીરાને પૂછપરછ કરતાં સમગ્ર ઘટનાની જાણ થઈ હતી.
પરિવારે પોલીસનો સંપર્ક કરી આરોપી ભુવા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
અગાઉ પણ છેતરપિંડીના ગુના નોંધાયા હોવાનો પોલીસનો દાવો
ઝોન-1ના ડીસીપી હર્ષદ પટેલના જણાવ્યા મુજબ, આરોપી ચંદ્રકાંત પંચાલ વિરુદ્ધ અગાઉ પણ છેતરપિંડીના આશરે ચાર ગુના નોંધાયેલા છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, વિધિના નામે અલગ-અલગ લોકો પાસેથી આશરે રૂ.56 લાખ પડાવ્યાના આક્ષેપો પણ તેની સામે છે.
હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર મામલે પોલીસ સગીરા અને પરિવારના નિવેદનો સહિત અન્ય પુરાવાઓના આધારે તપાસ આગળ ધપાવી રહી છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો