પાટણ જિલ્લાના સમીના દુદખા ગામેથી ઘઉ અને ચોખાના 83 કટ્ટા મળી આવ્યા, સસ્તા અનાજનો જથ્થો હોવાની આશંકા

પાટણ જિલ્લાના સમીના મામલતદાર એચ.એમ.પટેલે પોતાની ટીમ સાથે દુદખા ગામેથી સસ્તા અનાજનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરી આગળની કાયૅવાહી હાથ ધરતા સસ્તા અનાજના જથ્થાનો કાળો કારોબાર કરનારા તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

આ બાબતે સમી મામલતદાર પટેલે ટેલિફોનીક વાતચીત દરમ્યાન જણાવ્યું હતું કે સમીના દુદખા ગામે હિંમત ઠકકર નામનો ઈસમ પોતાની કરિયાણાની દુકાનમાં સસ્તા અનાજનો કાળો કારોબાર કરી રહ્યો હોવાની માહિતી પ્રાપ્ત થતાં મંગળવારે ટીમ સાથે દુદખા ગામે ઉપરોક્ત સ્થળ પર ઓચિતી તપાસ હાથ ધરી હતી. જે તપાસ દરમિયાન શંકાસ્પદ સરકારી અનાજના 72 ચોખાના કટા અને 11 ઘઉંના કટ્ટા મળી આ સ્થળ પર મુદ્દામાલ ને સિલ કરી શંખેશ્વર સરકારી ગોડાઉન ખાતે અનાજનો મુદ્દામાલ મોકલી આપવામાં આવ્યો હતો. આ મામલે કલેકટર પાટણને રિપોર્ટ કરી આગળની કાયૅવાહી કરવામાં આવનાર હોવાનું તેઓએ જણાવ્યું હતું.

પાટણ જિલ્લાના સમીના દુદખા ગામેથી સમી મામલતદાર અને તેમની ટીમ દ્રારા સસ્તા અનાજનો કાળો કારોબાર કરનાર સામે લાલ આંખ કરતાં અન્ય કાળા બજારીયા તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.ત્યારે તંત્ર દ્વારા પાટણ શહેરમાં પણ રેલવે ગરનાળા સામે તેમજ આનંદ સરોવરથી બળિયા હનુમાન મંદિર તરફ જવાના માગૅ પરના સકૅલ સામે અને કોટૅની સામે ખુલ્લામાં કેટલોક સસ્તા અનાજનો કાળો કારોબાર ચલાવતા અનાજ માફિયાઓ સામે પણ કાયદેસરની કાયૅવાહી હાથ ધરી આવા તત્વોને સસ્તા અનાજનો માલ પહોચાડનારા સસ્તા અનાજની દુકાનના સંચાલકો સામે પણ પગલાં ભરવામાં આવે તેવી માગ ઉઠવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *