
અહેવાલ – Komal Talati “Shashi”
હરવીરસિંહ નેહવાલ અને ઉષા રાણી નેહવાલની પુત્રી સાયના નેહવાલનો જન્મ હિસારમાં થયો હતો. સાયના નેહવાલના માતા-પિતા પણ ઘણા વર્ષો સુધી બેડમિંટન રમતા હતા. તેમની માતા હરિયાણા રાજ્ય કક્ષાની બેડમિંટન ખેલાડી હતી. સાયના નેહવાલે પોતાની માતાનું સપનું પૂરું કરવા માટે બેડમિન્ટન પસંદ કર્યો હતું.
સાયના નેહવાલે 17 વર્ષની ઉંમરમાં વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભાગ લીધો હતો. જ્યાં તે ચીનના ખેલાડી જિયાંગ યાંજિયાઓ સામે હારી ગઇ હતી. 2006માં સાયના નેહવાલ અંડર - 19માં રાષ્ટ્રીય ચેમ્પિયન બની. ઉપરાંત સતત બે વખત "એશિયન સેટેલાઈટ બેડમિંટન ટૂર્નામેન્ટ" જીતીને ઇતિહાસ રચ્યો હતો. 2010 નવી દિલ્હીમાં યોજાયેલ કોમનવેલ્થ ગેમ્સમાં મહિલા સિંગલ્સ બેડમિંટન સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતી હતી.
આ ઉપરાંત તેમણે ઘણા બધા એવોર્ડ પણ પોતાના નામે કર્યા છે જેમાં બેડમિંટન વર્લ્ડ ફેડરેશન દ્વારા મોસ્ટ પ્રોમિસિંગ પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ (2008), અર્જુન એવોર્ડ (2009), પદ્મશ્રી (2019), રાજીવ ગાંધી ખેલ રત્ન (2009 - 2010), પદ્મ ભૂષણ (2016).
હાલમાં સાયનાને વિશ્વ બેડમિંટન સંઘ દ્વારા વિશ્વમાં ચોથો ક્રમ આપવામાં આવ્યો છે. તથા ઓલમ્પિક રમતોત્સવમાં એકલ ક્વાર્ટર ફાઈનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા છે. તથા વિશ્વ કનિષ્ઠ બેડમિંટન ચેમ્પિયનશિપ જીતનારી પ્રથમ ભારતીય છે. સાયના નેહવાલનું નામ વિશ્વ ઇતિહાસમાં 21 જૂન 2009માં સુવર્ણ અક્ષરે લખવામાં આવ્યું હતું.