
“પત્રકારને લખતા ન રોકી શકાય”
નવી દિલ્હી, તા.20: ફેક્ટ ચેકિંગ વેબસાઇટ ઓલ્ટ ન્યૂઝના સહ સંસ્થાપક મોહમ્મદ જુબૈરને તમામ એફઆઇઆરમાં વચગાળાના જામીન આપતા સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી કે અમે કોઈ પત્રકારને કેવી રીતે કહી શકીએ કે લખો નહીં… સતત કસ્ટડીમાં રાખવાનું કોઈ કારણ નથી. ટોચની અદાલતે જુબૈરનાં ટ્વિટ્સની તપાસ માટે યોગી સરકાર દ્વારા રચાયેલી ખાસ તપાસ ટીમ (સીટ)ને ભંગ કરી નાખી હતી. ધાર્મિક લાગણી ભડકાવવાના આરોપમાં જુબૈરની 27 જૂને દિલ્હી પોલીસે ધરપકડ કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યુ કે 20 હજારના બેલ બોન્ડ ભરવામાં આવે અને સાંજે 6 વાગ્યા સુધીમાં જુબૈરને છોડી મૂકવામાં આવે. આ સાથે કોર્ટે અત્યાર સુધીમાં યુપીના 5 જિલ્લામાં અલગ અલગ જગ્યાએ નોંધાવવામાં આવેલી 6 એફઆઇઆરને કલબ કરવાનો આદેશ આપ્યો હતો કે એટલે કે તમામ ફરિયાદોમાં કેસ એક સાથે ચાલશે. ફરિયાદોને દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલમાં ટ્રાન્સફર કરવામાં આવી છે. કોર્ટે જુબૈરના ટ્વિટની તપાસ માટે યુપી સરકારે ઘડેલી એસઆઇટીને પણ ભંગ કરી હતી. દિલ્હીમાં નોંધાયેલી એફઆઇઆરમાં જુબૈરને અગાઉ જામીન મળી ચૂક્યા છે. આમ સુપ્રીમના આદેશ બાદ તેની જેલમુક્તિ સંભવ બની છે. સુનાવણી વખતે જસ્ટિસ ચંદ્રચૂડે પૂછયું કે, જો કાયદા વિરુદ્ધ કોઈ ટ્વિટ હોય તો તે જવાબદાર છે. કોઈ આગોતરા આદેશ કેવી રીતે પસાર કરી શકાય કે કોઈ કંઈ નહીં બોલે… જામીન પર શરત જોડવાની યુપી સરકારની માગ કોર્ટે નામંજૂર કરી હતી. સુપ્રીમે યુપી પોલીસની એ માગ પણ ફગાવી દીધી હતી જેમાં માગ કરાઈ હતી કે જુબૈર ટ્વિટથી કંઈ નહીં લખે. જેના પર જસ્ટિસ ચંદ્રચૂડે એએજીને પૂછયું કે અમે કોઈ પત્રકારને કેવી રીતે કહી શકીએ કે તે કંઈ ન લખે ? અમે એવું ન કહી શકીએ કે તમે ફરી ટ્વિટ ન કરો. જુબૈરને ટ્વિટ કરતાં રોકવાની માગ એવી છે જાણે કોઈ વકીલને દલીલ કરતા રોકવા. તે જે કંઈ કરશે તે કાયદા હેઠળ જવાબદાર રહેશે.
