RICKSHAW STRIKE IN AHMEDABAD : અમદાવાદમાં રિક્ષાચાલકોની હડતાળ, સ્કૂલવર્ધી અને હોસ્પિટલની સેવા ચાલુ, અસારવા વિસ્તારમાં રિક્ષાઓ રોકી મુસાફરોને નીચે ઉતારાયા.

RICKSHAW STRIKE IN AHMEDABAD : અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસ રિક્ષાચાલકોને હેરાન પરેશાન કરતી હોવાના વિરોધમાં રિક્ષાચાલકોના 9 યુનિયનોએ આજે હડતાળની જાહેરાત કરી છે. અમદાવાદ શહેરમાં અંદાજિત બે લાખ જેટલી રિક્ષાઓ દોડે છે. ત્યારે આજે હડતાળના પગલે 80 ટકા રિક્ષાઓ બંધ રહી હોવાનો રિક્ષાચાલક યુનિયને દાવો કર્યો છે. વિદ્યાર્થીઓ અને દર્દીઓે તકલીફ ન પડે તે માટે સ્કૂલવર્ધી અને હોસ્પિટલની રિક્ષાઓ ચાલુ રાખવામાં આવી છે.
શહેરના અસારવા વિસ્તારમાં રસ્તા પરથી પસાર થતી રિક્ષાઓ રોકીને અન્ય રિક્ષાચાલકોએ મુસાફરોને નીચે ઉતાર્યા હતા અને રિક્ષાચાલકોને હડતાળમાં જોડાયા અપીલ કરી હતી. તો બીજી તરફ હડતાળના પગલે અનેક મુસાફરો પરેશાન જોવા મળ્યા હતા અને ઓલા-ઉબેર કે સિટી બસનો સહારો લેતા જોવા મળી રહ્યા છે.
RICKSHAW STRIKE IN AHMEDABAD : અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આજે રિક્ષાચાલકોએ પોલીસની કથિત હેરાનગતિના વિરોધમાં હડતાળ પાડી હતી. સવારથી જ એરપોર્ટ પાર્કિંગમાં બહુ ઓછા રિક્ષાચાલકો જોવા મળ્યા હતા, અને જેઓ હાજર હતા તેઓ પણ કામ વગર બેસી રહ્યા હતા.
એરપોર્ટ રિક્ષા યુનિયનના પ્રમુખે દિવ્ય ભાસ્કર સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, આજે અમે દરેક રિક્ષાચાલકો હડતાળ પર છીએ અને લગભગ સૌ આજે એરપોર્ટ પર ધંધો કરવાના નથી.

RICKSHAW STRIKE IN AHMEDABAD : સુરેશભાઈ નામના એક રિક્ષાચાલકે જણાવ્યું હતું કે, “હું સવારના 9 વાગ્યાથી અહીં આવ્યો છું, પણ સવારથી કોઈ ધંધો કર્યો નથી. આજે બધા રિક્ષાવાળા હડતાળ પર છે. પોલીસવાળા અમને બહુ હેરાન કરે છે. વીમો, પાર્સિંગ, લાયસન્સ હોય કે ન હોય, જો મીટર ના હોય તો પણ પોલીસવાળા અમારી રિક્ષા જમા કરી લે છે.”
તેમણે ઉમેર્યું હતું કે, ભાડાની રિક્ષા ચલાવતા ડ્રાઇવરોને પણ નામ અને નંબર લખવા પડે છે, અને આમાંથી એક પણ ખામી હોય તો પોલીસ રિક્ષા ડિટેઇન કરી લે છે. સુરેશભાઈએ કહ્યું કે, “અમે જ્યારે પોલીસવાળાને રજૂઆત કરીએ કે તમે મેમો બનાવી લો, છતાં તેઓ અમારી રિક્ષા ડિટેઇન કરી લે છે. અમારી એક જ માંગણી છે કે પોલીસવાળા અમારી રિક્ષા ડિટેઇન ન કરે અને અમને ખોટી રીતે હેરાન ન કરે.”
પ્રદીપભાઈ નામના અન્ય એક રિક્ષાચાલકે પણ આ જ પ્રકારની વ્યથા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે, “પોલીસ અમને ખોટી રીતે હેરાન કરે છે. અમારી રિક્ષામાં લાયસન્સ, મીટર, મોબાઇલ નંબર બધું ચેક કરે છે. અમારી પાસે બધું હોવા છતાં અમને હેરાન કરે છે.
અત્યાર સુધી વગર કારણે ઘણી બધી રિક્ષાઓ જમા કરી લીધી છે. અમારી માંગણી છે કે અમને વગર કારણે હેરાન ન કરે, એમ પણ અમારો ધંધો થતો નથી અને ઉપરથી પોલીસ હેરાન કરી રહી છે.”
RICKSHAW STRIKE IN AHMEDABAD : સામાન્ય રીતે એસજી હાઈવે પર મોટાપ્રમાણમાં રિક્ષાની અવરજવર રહેતી હોય છે. પરંતુ, આજે હડતાળના પગલે એકલદોકલ રિક્ષાઓ જ જોવા મળી રહી છે. રિક્ષાની હડતાળના પગલે લોકો AMTS,BRTS બસમાં મુસાફરી કરતા જોવા મળઈ રહ્યા છે.

RICKSHAW STRIKE IN AHMEDABAD : હડતાળને કારણે મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. શાસ્ત્રીનગર જવા નીકળેલા કશિશે જણાવ્યું કે, “અમારે અત્યારે શાસ્ત્રીનગર જવું છે. અમે છેલ્લા 15 મિનિટથી અહીંયા રિક્ષા માટે રાહ જોઈ રહ્યા છીએ, પરંતુ કોઈ રિક્ષા મળતી નથી. છેવટે અમારે ઓલા/ઉબેર બુક કરીને જવું પડી રહ્યું છે, અને તેના ભાડા પણ મોંઘા પડી રહ્યા છે.” તેવી જ રીતે, શાસ્ત્રીનગર જવા નીકળેલા વંશિકાએ જણાવ્યું કે, “રિક્ષાચાલકોની હડતાળ હોવાથી અમને બહુ મુશ્કેલી પડી રહી છે.
અમે છેલ્લા 15-20 મિનિટથી રાહ જોઈએ છીએ, પણ કોઈ રિક્ષા નથી આવી રહી. અમારે હવે ઉબેર બુક કરીને જવું પડી રહ્યું છે, અને તેનું ભાડું પણ મોંઘું હોય છે.”
ગુજરાત રિક્ષાચાલક રોજગાર બચાવો આંદોલનના કન્વીનર વિજયકુમાર સરસાવાએ જણાવ્યું હતું કે, “અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા બે દિવસ પહેલાં જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, તેને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ.
જાહેરનામામાં રિક્ષાચાલકોની બેઠક સીટની પાછળ નેમ પ્લેટ ફરજિયાત રાખવા, તેમજ પાર્સિંગ, પરમિટ, વીમો, પીયુસી અને લાયસન્સ જેવા તમામ ડોક્યુમેન્ટ રાખવા ફરજિયાત હોવાનો ઉલ્લેખ છે. અમે જાહેરનામાનો વિરોધ નથી કરતા, પરંતુ જે રિક્ષાચાલકો પાસે તમામ ડોક્યુમેન્ટ હોવા છતાં તેમની રિક્ષા ડીટેઈન કરી લેવામાં આવી છે, તેવી દરેક રિક્ષાને એક પણ દંડ લીધા વિના છોડી દેવામાં આવે.”
RICKSHAW STRIKE IN AHMEDABAD : તેમણે વધુમાં ઉમેર્યું કે, “રિક્ષાચાલકો રોજના માત્ર રૂ.300-400 કમાઈને પોતાનું ગુજરાન ચલાવે છે. ગુજરાત રિક્ષાચાલક રોજગાર બચાવો આંદોલનના દરેક યુનિયનના રિક્ષાચાલકો આજે આ હડતાળમાં જોડાયા છે. આ જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, તેમાં સુધારો કરીને નવું જાહેરનામું ફરીથી બહાર પાડવામાં આવે તેવી અમારી માંગ છે. આજે અમારી હડતાળને કારણે જેટલા પણ મુસાફરોને તકલીફ પડી રહી છે તેની સંપૂર્ણ જવાબદારી ગુજરાત રાજ્ય સરકાર અને અમદાવાદ શહેર પોલીસ કમિશનરની રહેશે.”