
ગુજરાતના શ્રમિક પરિવારો માટે મોટી રાહત: સુપર સ્પેશિયાલિટી સારવાર હવે વધુ સરળ બનશે
ગાંધીનગર: રાજ્યના શ્રમિક પરિવારોને ગુણવત્તાસભર અને સમયસર આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે ગુજરાત સરકાર અને કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) દ્વારા મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. ESIC હેઠળ નોંધાયેલા વીમાધારક શ્રમિકો અને તેમના આશ્રિતોને ટર્સરી કેર તથા સુપર સ્પેશિયાલિટી સારવાર ઉપલબ્ધ કરાવવા માટે છ આરોગ્ય સંસ્થાઓ સાથે સમજૂતી કરાર (MoU) કરવામાં આવ્યા છે.
ગાંધીનગરમાં યોજાયેલા MoU એક્સચેન્જ કાર્યક્રમમાં શ્રમ અને રોજગાર વિભાગના મંત્રીની ઉપસ્થિતિમાં આ કરાર કરવામાં આવ્યા હતા. સરકારના જણાવ્યા મુજબ, આ પહેલથી ESICના લાભાર્થી શ્રમિકો અને તેમના પરિવારજનોને જરૂરિયાત મુજબની વિશેષ સારવાર માટે વધુ સારી આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ થશે.
શ્રમિક પરિવારોને આર્થિક રાહત
આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે સ્વસ્થ શ્રમિક મજબૂત અર્થતંત્ર અને રાષ્ટ્રનિર્માણનો મહત્વપૂર્ણ આધાર છે. શ્રમિક પરિવારોને ઉચ્ચ ગુણવત્તાની આરોગ્ય સેવાઓ સરળતાથી મળી રહે તે માટે શરૂ કરાયેલી આ પહેલ તેમના માટે આરોગ્ય સુરક્ષા કવચ સાથે આર્થિક રાહત પણ સાબિત થશે.
ESIC હેઠળ નોંધાયેલા લાભાર્થીઓને વિવિધ ગંભીર અને જટિલ બીમારીઓ માટે ટર્સરી કેર અને સુપર સ્પેશિયાલિટી સારવારની સુવિધા ઉપલબ્ધ કરાવવાનો હેતુ છે.
યોજનાના દુરુપયોગ સામે તકેદારી
સરકારી ભંડોળનો ઉપયોગ શ્રમિકોના હિત અને કલ્યાણ માટે યોગ્ય રીતે થાય તે માટે પણ ખાસ તકેદારી રાખવામાં આવશે. યોજનાનો કોઈપણ સ્તરે દુરુપયોગ ન થાય તે માટે જરૂરી દેખરેખ અને વ્યવસ્થા જાળવવા સૂચના આપવામાં આવી છે.
વધુ 45 સંસ્થાઓ સાથે કરારની તૈયારી
હાલમાં છ આરોગ્ય સંસ્થાઓ સાથે કરાર થયા છે. આ ઉપરાંત રાજ્યની વધુ 45 હૉસ્પિટલો અને આરોગ્ય સંસ્થાઓ સાથે MoU કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ESIC લાભાર્થીઓ માટે ટર્સરી કેર અને સુપર સ્પેશિયાલિટી સેવાઓનું નેટવર્ક વધુ વિસ્તૃત થશે.આ નેટવર્કમાં યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર, GMERS હૉસ્પિટલો, ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GCRI), ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર તથા AIIMS રાજકોટ જેવી અગ્રણી તબીબી સંસ્થાઓનો સમાવેશ થાય છે.
આ 6 સંસ્થાઓ સાથે MoU
શ્રીમદ રાજચંદ્ર હૉસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, ધરમપુર, વલસાડ
શ્રીમદ રાજચંદ્ર સર્વમંગલ હૉસ્પિટલ એન્ડ સી. યુ. શાહ મેડિકલ કોલેજ, સુરેન્દ્રનગર
શ્રી ગિરિરાજ હૉસ્પિટલ, રાજકોટ
ગોકુલ લાઇફકેર પ્રાઇવેટ લિમિટેડ, રાજકોટ
એન. એમ. વિરાણી વોકહાર્ટ હૉસ્પિટલ લિમિટેડ
ડૉ. ભટ્ટ પેથોલોજી લેબોરેટરી, રાજકોટ
આ પહેલના કારણે ESIC સાથે જોડાયેલા શ્રમિકો અને તેમના આશ્રિતોને રાજ્યમાં વધુ વિસ્તૃત અને વિશેષ આરોગ્ય સેવાઓનો લાભ મળવાની શક્યતા છે.
વધુ સમાચાર માટે અહીં ક્લિક કરો