
ગાંધીધામમાં હર ઘર તિરંગા અંતર્ગત જિલ્લા કક્ષાની વિશાળ તિરંગા યાત્રા
ગાંધીધામ ખાતે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત જિલ્લા વહીવટીતંત્ર અને ગાંધીધામ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે જિલ્લાકક્ષાની વિશાળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા તથા ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું.
તિરંગા યાત્રા દરમિયાન ‘વંદે માતરમ્’ અને ‘મા ભારતી’ના નારાઓથી ગાંધીધામ શહેર દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. યાત્રામાં સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રભાબેન હુણ સહિત ધારાસભ્યો, પદાધિકારીઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા.
ઝંડાચોક ખાતે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રેરણાથી સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત દેશભક્તિના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. તેમણે યુવાનોને દેશની અમૂલ્ય મૂડી ગણાવી 2047 સુધીમાં વિકસિત ભારતના સપનાને સાકાર કરવા સૌને રાષ્ટ્રપ્રથમની ભાવના સાથે કાર્ય કરવા આહ્વાન કર્યું હતું.

રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે, દેશની આઝાદી અમૂલ્ય છે. ગાંધીધામ શહેરે વિભાજનની પીડા સહન કરી છે અને આજે વિકાસના પંથે આગળ વધી રહ્યું છે. તેમણે ગાંધીધામના વિકાસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના યોગદાનનો ઉલ્લેખ કર્યો હતો.
સાંસદ વિનોદ ચાવડાએ સ્વાગત પ્રવચનમાં સમગ્ર રાજ્યમાં આન, બાન અને શાન સાથે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રાઓ યોજાઈ રહી હોવાનું જણાવ્યું હતું અને કચ્છવાસીઓને 80મા સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.
તિરંગા યાત્રાના રૂટ પર પંજાબી, મારવાડી, ઉત્તર ભારતીય, લોહાણા-ઠક્કર, સિંધિ, કેરળ, બ્રહ્મ, ગોરખા, દેવીપૂજક, આંધ્ર, મલયાલમ, પટેલ, ઉડિયા, આહીર અને ભરવાડ સમાજ સહિત વિવિધ સમાજો તથા સેવાભાવી સંસ્થાઓ દ્વારા પુષ્પવર્ષા કરીને યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
યાત્રામાં સ્કૂલના વિદ્યાર્થીઓ, પોલીસ જવાનો, હોમગાર્ડ, સશસ્ત્ર દળોના જવાનો, વિવિધ સમાજોના પ્રતિનિધિઓ અને સેવાભાવી સંસ્થાઓના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.
યાત્રા મહાત્મા ગાંધી પ્રતિમા, ગાંધી માર્કેટથી શરૂ થઈ મુખ્ય બજાર, ભાઈપ્રતાપજી સર્કલ અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા થઈ ઝંડાચોક ખાતે પૂર્ણ થઈ હતી. આ દરમિયાન મહાનુભાવોએ મહાત્મા ગાંધી અને સરદાર પટેલની પ્રતિમાને હારારોપણ કરી આઝાદીના નામી-અનામી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
આ પ્રસંગે ગાંધીધામ મહાનગરપાલિકા મેયર દિવ્યાબેન નાથાણી, ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા અને માલતીબેન મહેશ્વરી, અગ્રણી દેવજીભાઈ વરચંદ, ધવલભાઈ આચાર્ય, ભીમજીભાઈ જોધાણી, હિતેશભાઈ ખંડોર, કચ્છ કલેક્ટર અનિલ રાણાવસિયા, ગાંધીધામ મહાનગરપાલિકા કમિશનર બી.ડી. ડવેરા, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર સહિત પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.