“કરૂણા અભિયાન-2021”અંતર્ગત ઉત્‍તરાયણ પર્વ નિમિત્‍તે ઘાયલ પશુ પક્ષી બચાવ સારવાર અને પુનઃ સ્‍થાપન માટે જીલ્‍લા વહીવટી તંત્ર દ્રારા સુચારૂ આયોજન

ઉત્‍તરાયણ પર્વ નિમિત્‍તે પતંગની દોરીથી ખાસ કરીને ચાઈનીઝ પ્રકારની દોરીથી અનેક પક્ષીઓ ગંભીર પ્રકારે ઘાયલ થાય છે. અને તેઓને કાયમી ખોડ ખાંપણ કે મૃત્‍યુનો ભોગ બનાવની ઘટનાઓ બને છે.
કોઈપણ વ્‍યકિતને ઉત્‍તરાયણના પર્વના આગળ પાછળના દિવસો દરમ્‍યાન ઘાયલ પક્ષી મળે / જોવામાં આવે તો નજીકની જીવદયા સંસ્‍થાના સેવાભાવી કાર્યકરનો સંપર્ક કરી ઘાયલ પક્ષીને પશુદવાખાના ખાતે પહોંચાડવા સૌને વિનંતી છે.
વધુમાં સૌ પતંગરસીકો સવારના ૬ થી ૮ અને સાંજના ૫ થી ૭ ના સમયે પતંગો ના ઉડાવે અને પક્ષીઓને ઘાયલ થવાનું પ્રમાણ ઘટે તે માટે સૌ જીવદયા પ્રેમીઓ અને પ્રજાજનોને વિનંતી છે.
આપણા રાજયમાં કોવિડ-૧૯ ની પરિસ્‍થિતિ ઉપરાંત તાજેતરમાં “એવીઅન ઈન્‍ફુલએન્‍સ” બર્ડ ફલુના કેસ પણ રાજયના અમુક જીલ્‍લામાં જોવા મળેલ છે.
“બર્ડ ફલુ”એ પક્ષીઓમાં વાઈરસથી થતો રોગ છે, અને હાલ તાજેતરમાં ગુજરાત રાજયમાં કેટલાંક જીલ્‍લાઓમાં બર્ડ ફલુના H5N8 વાઈરસથી પક્ષીના મરણ થયેલ છે, પરંતુ આ બર્ડ ફલુના H5N8 વાઈરસથી માનવીમાં રોગ ઉત્‍પન્‍ન થતો નથી.
આ બર્ડ ફલુ વાઈરસની H5N1 સ્‍ટ્રેન માનવીમાં રોગજન્‍ય છે, અને આ H5N1 પ્રકારના વાઈરસની હાજરી રાજયના એક પણ જીલ્‍લાના એક પણ સેમ્‍પલમાં હજુ સુધી નિદાન થયેલ નથી.
દર વર્ષની જેમ ઉત્‍તરાયણ પર્વ નિમિત્‍તે પતંગથી દોરીથી ઘાયલ થતાં પક્ષીઓના બચાવ, સારવાર અને પુનઃ સ્‍થાપન માટે સરકારશ્રી દ્રારા તમામ સેવાભાવી સંસ્‍થા અને સ્‍વયં સેવકોની મદદથી કરૂણા અભિયાન ચલાવવામાં આવે છે, આ વર્ષે પણ કરૂણા અભિયાન અંતર્ગત કોવિડ-૧૯ ની ગાઈડલાઈન સાથે બર્ડ ફલુ રોગ ના ફેલાય તે માટે તકેદારીના ભાગરૂપે સરકારશ્રી દ્રારા “કરૂણા અભિયાન-ર0ર૧”માટેની પણ અલગ ગાઈડલાઈન તાજેતરમાં જારી (ઈશ્‍યુ) કરવામાં આવેલ છે.
ઉકત ગાઈડલાઈન અનુસાર આણંદ જીલ્‍લાના વનવિભાગ, પશુપાલન વિભાગ, વેટરનરી કોલેજ ખાતે, તમામ સેવાભાવી સંસ્‍થાઓએ કામગીરી કરવા માટે તૈયારી કરેલ છે, જે માટે તમામ સંસ્‍થાઓને બર્ડ ફલુ વાઈરસ અંગે લેવાની સાવચેતી અંગે એક મીટીંગ કરી સમજુતી આપેલ છે.
તાજેતરની પરિસ્‍થિતિમાં દરેક સેવાભાવી સંસ્‍થા દ્રારા ઘાયલ પક્ષીને રેસકયુ કરી આણંદ જીલ્‍લાના વિવિધ તાલુકા મથકના પશુ દવાખાના કે વેટરનરી કોલેજ, સર્જરી વિભાગ ખાતે જ પહોંચાડવાના રહેશે અને તે માટે નિયત કરેલ સેન્‍ટર ખાતે જ પક્ષીને સારવાર માટે આશરો આપવાનો રહેશે, ઉકત તમામ સારવાર કેન્‍દ્રો ખાતે સરકારશ્રીની ગાઈડ લાઈન અનુસાર પક્ષી સારવાર માટેનું આયોજન કરેલ છે.
ચાલુ વર્ષે સરકારશ્રીની પહેલ “કરૂણા એમ્‍બ્‍યુલન્‍સ” ૧૦ (દશ) ગામદીઠ ૧(એક), પશુદવાખાનાના ર (બે) વાહનો આણંદ શહેર ખાતે સેવા આપનાર છે.
તાજેતરની બર્ડ ફલુની પરિસ્‍થિતિ અને કોવિડ-૧૯ ની પરિસ્‍થિતિને ઘ્‍યાને લઈ દરેક સેવાભાવી સંસ્‍થાના કાર્યકરોને સોશિયલ ડીસ્‍ટન્‍સ જાળવવા, એક જગ્‍યાએ ૪ થી વધુ વ્‍યકિતઓ ભેવા ન થવા, માસ્‍ક અને સેનીટાઈઝરનો ઉપયોગ સતત કરવા, વારંવાર હાથ ધોવા અને પક્ષીને પરીવહન, રેસકયુ કે સારવારમાં મદદ કરતી વખતે દરેક સ્‍વયંસેવક દ્રારા પી.પી.ઇ કીટ અને ગ્‍લોઝ પહેરવા માટેની સુચના આપવામાં આવે છે, દરેક સ્‍વયંસેવક તેઓના વાલી, માતા પિતાની સંમતિથી જે તે સેવાભાવી સંગઠનમાં પક્ષી બચાવની કામગીરી માટે જોડાય તેની તકેદારી રાખવા અપીલ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *