
વલસાડ કલેક્ટર આર. આર. રાવલ અને સ્વામી નિખિલેશ્વરનંદજીનું પ્રેરક ઉદબોધન
માહિતી બ્યુરોઃ વલસાડ જિલ્લા વહીવટીતંત્ર અને શ્રી રામકૃષ્ણ વિવેકાનંદ સેવા સમિતિ ટ્રસ્ટ ધરમપુરના સંયુક્ત ઉપક્રમે તા.૧૨ મી જાન્યુઆરી સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતી રાષ્ટ્રીય યુવાદિન નિમિત્તે વર્ચ્યુઅલ યુથ કન્વેન્શનમાં સમગ્ર ગુજરાતભરમાંથી ૨પ૦૦ થી વધુ યુવાનો ઉત્સાહભેર જોડાઇને સૌ વિવેકાનંદમય બન્યા હતા.
આ વર્ચ્યુઅલ યુથ કન્વેનશનની શરૂઆતમાં વલસાડ કલેક્ટર આર. આર. રાવલે યુવાનોને આજના દિવસે વિવેકાનંદજીના જીવનમાંથી પ્રેરણા મેળવવા આહવાન કરી દરરોજ વિવેકાનંદજીના પુસ્તકો વાંચી એમને આત્મસાત કરવા જણાવ્યું હતું, દરેક યુવાનોને સ્વપ્ના જોવાની સાથે સાથે તેને સાકાર કરવા સખત મહેનત કરવા જણાવ્યું હતું. જીવનને લક્ષબદ્ધ બનાવવાનો અનુરોધ કરતાં યુવાનોને પાનના ગલ્લે સમય વેડફાઈ નહીં જાય તેની તકેદારી રાખવા જણાવ્યું હતું. સાચા અર્થમાં જીવનને યોગ્ય આર્ક આપવાની વાતો કરી હતી સમુદ્રમાંથી મોતી મેળવવા મરજીવા કેવી મહેનત કરે છે જેનું ઉદાહરણ આપી યુવાનોને આજના દિવસે વિવેકાનંદજીને પોતાના હીરો આદર્શ બનાવવા હાકલ કરી હતી.
શ્રી રામકૃષ્ણ આશ્રમના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરનંદજીએ જણાવ્યું કે આજના યુવાનોએ સ્વનિર્ભર બનવું પડશે, યુવાનોને પોતાની સ્કીલ ડેવલપ કરવાની સાથે આજના પડકારરૂપી સમયે પોતાના જીવનને ઉચ્ચ આદર્શોથી ભરી તમામ સમસ્યાઓનો સામનો કરવા હંમેશા તૈયાર રહેવું જોઈએ. ભારતવર્ષને પ્રેમ કરો એ આજે ૧પ૮મી જન્મજયંતીની સૌથી મોટી ભેટ હશે. સ્વામી વિવેકાનંદજીએ પ્રબોધેલા ત્યાગ અને સેવાના રાષ્ટ્રીય આદર્શને જીવનમાં આત્મસાત કરવા જણાવ્યું હતું.
બાદ વર્ચુયલ યુથ કન્વેન્શનમા ધરમપુરના ડૉ.દોલતભાઈ દેસાઈ, ૪૦૦ મીટર દોડની ગોલ્ડ મેડાલીસ્ટ સરિતા ગાયકવાડ(ડાંગ), લોન્ગ ડીસ.રનર મુરલી ગામીત (ડાંગ), સુફી ગાયક ભાવિન શાષાી, ક્રીડાભારતી સુરતના મંત્રી જગદીશભાઈ ચાવડા, અમરોલી વિજ્ઞાન કોલેજના આચાર્ય અશ્વિનભાઈ રાવલ, પુણાગામ સાર્વજનિક હાઈસ્કૂલનાં આચાર્ય વિજયભાઈ પટેલ, અભિનેત્રી પૂજા ઝવેરી વગેરેએ પણ વર્ચ્યુઅલી સંબોધન કરી તમામે એકસુરમાં વિવેકાનંદજીના પુસ્તકોના વાંચન ઉપર ભાર મૂકી જીવનને ઉન્નત બનાવવાની વાતો કરી હતી.
કોરોનાકાળમાં જ્યારે યુવાનો યુથ કન્વેનશન કે યુવા રેલીમાં ભેગા તો નહીં થઈ શકે, પરંતુ સરકારી ગાઈડ લાઇન મુજબની તમામ મર્યાદા વચ્ચે વલસાડ જિલ્લા વહીવટીતંત્ર અને શ્રી રામકૃષ્ણ વિવેકાનંદ સેવા સમિતિ ટ્રસ્ટ ધરમપુર દ્વારા આયોજિત આ વર્ચ્યુઅલ યુથ કનવેશનમાં ૨પ૦૦ થી વધુ યુવાનો સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી જોડાયા હતા. રાષ્ટ્રીય એકાંતમાં ભાવના, સમાજસેવાના ગુણોનો વિકાસ સાથે સાથે દરેક વિદ્યાર્થીના શૈક્ષણિક જીવનમાં નવો આર્ક આપનારા આ વર્ચ્યુઅલ યુથ કન્વેનનમાં જોડાયેલા તમામ યુવાનો આજે વિવેકાનંદમય બન્યા હતા. જિલ્લામાં પ્રથમ વખત યોજાયેલ આવા વર્ચ્યુઅલ યુથ કન્વેનશનને ચોમેરથી આવકાર મળ્યો હતો.
ધરમપુર અને વલસાડ ખાતે સ્થિત સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને સવારે પુષ્પાંજલિ કવામાં આવી હતી સાથે જેમાં નગરના અગ્રણીઓ જોડાયા હતા અને સાથે સાથે ગ્રામ વિસ્તારમાં સેવાકીય પ્રવૃત્તિઓનો વ્યાપ વધારવા કટિબદ્ધ થયા હતા.
ધરમપુર નગરપાલિકા સંચાલિત શ્રીમંત મહારાણા શ્રી નારાણદેવજી લાઈબ્રેરી ખાતે વાંચકો માટે એક અલાયદો વિવેકાનંદ વાંચન ડેસ્ક બનાવમાં આવ્યો હતો દરરોજ ૧પ૦ થી વધુ વાંચન અર્થે આવતા યુવક યુવતીઓ આજે પુસ્તકો વાંચી પોતાની નોંધબુકમાં વિવેકાનંદજીના સંદેશાની નોંધ લખતા નજરે ચડયા હતા, યુવા ગ્રંથપાલે કરેલા આ આયોજનની બૌદ્ધિક વર્ગોમાં ખૂબ પ્રશંશા થઈ હતી.
ધરમપુર તાલુકાની આવધા પ્રાથમિક શાળા ખાતે રેમ્બો વોરિયર્સ ગ્રુપ, સાકાર ચેરીટેબલ ટ્રસ્ટ અને આવધા પ્રાથમિક શાળાના ઉપક્રમે વિવેકાનંદ વાંચન કુટીર, રક્તદાન શિબિર અને વ્યક્તિ વિશેષના સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો, ત્રિવેણી કાર્યક્રમમાં ૩૦ બોટલ રક્ત ભેગું કરવામાં આવ્યું હતું.
