
અમદાવાદ AMTS બસમાં બ્લેડ ગેંગનો આતંક! વૃદ્ધ વેપારીની થેલી કાપી રૂ. 2 લાખની ચોરી
અમદાવાદ: શહેરની AMTS બસમાં મુસાફરોની ભીડનો લાભ ઉઠાવી ચોરી કરતી ગેંગની વધુ એક ઘટના સામે આવી છે. કાલુપુર ચોખા બજાર પાસે બસમાંથી ઉતરતી વખતે એક વૃદ્ધ વેપારીની કાપડની થેલી બ્લેડથી કાપીને તેમાં રાખેલા રૂ. 2 લાખની રોકડ ચોરી કરવામાં આવી હતી. આ બનાવને પગલે મુસાફરોની સુરક્ષાને લઈને ચિંતા ઊભી થઈ છે. ઘટનાની તપાસ દરિયાપુર પોલીસે હાથ ધરી છે.

ઓપરેશન બાદ બસમાં મુસાફરી કરતા હતા વેપારી
મળતી માહિતી મુજબ, થલતેજના સાગર બંગ્લોઝ વિસ્તારમાં રહેતા 60 વર્ષીય વિનોદકુમાર કંસારા કાલુપુર ચોખા બજારના કબૂતરખાના કોમ્પ્લેક્સમાં આવેલી ‘મેક્ષ કોર્પોરેશન’ નામની પેઢી ચલાવે છે. તેઓ શ્રોફ તરીકે ડીડી અને બેન્કિંગ કમિશનને લગતું કામ કરે છે. તાજેતરમાં કમરના થાપાના ભાગે ઓપરેશન કરાવ્યું હોવાથી વાહન ચલાવવામાં મુશ્કેલી પડતી હતી. આથી તેઓ ઓફિસે જવા-આવવા માટે AMTS બસનો ઉપયોગ કરતા હતા.
ભીડનો લાભ લઈ રોકડ સેરવી લીધી
22 ઓક્ટોબરના રોજ વિનોદકુમાર પોતાની કાપડની થેલીમાં પાણીની બોટલ, ચશ્મા અને રૂ. 2 લાખ રોકડા લઈને સત્તાધાર બસ સ્ટોપ પરથી AMTS બસમાં બેઠા હતા. બપોરે આશરે 3:15 વાગ્યે બસ કાલુપુર ચોખા બજારના હનુમાનજી મંદિર નજીકના બસ સ્ટોપ પર પહોંચી હતી. બસમાંથી ઉતરવા માટે તેઓ આગળના દરવાજા પાસે ઊભા હતા, ત્યારે ભીડમાં કોઈએ તેમની થેલી ખેંચી હોય તેવો અહેસાસ થયો હતો.
બસમાંથી નીચે ઉતરીને તપાસ કરતાં થેલી બ્લેડથી કપાયેલી હોવાનું અને અંદર રાખેલી રૂ. 2 લાખની રોકડ ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું. બસ રોકાવીને તપાસ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ શંકાસ્પદ વ્યક્તિનો કોઈ પત્તો લાગ્યો નહોતો.
દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
ઘટનાથી ગભરાયેલા વેપારી ઘરે પરત ફર્યા હતા. ત્યારબાદ મિત્ર સાથે ચર્ચા કર્યા પછી તેમણે દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અજાણ્યા શખસ વિરુદ્ધ ગુનો નોંધી ચોરીની ઘટનામાં સંડોવાયેલા આરોપીને શોધવા માટે વધુ તપાસ શરૂ કરી છે.
AMTS બસમાં મુસાફરી કરતી વખતે મુસાફરોએ પોતાની રોકડ, મોબાઇલ અને કિંમતી સામાન અંગે સાવચેતી રાખવી જરૂરી છે. ભીડભાડમાં અજાણ્યા શખસોની હિલચાલ પર નજર રાખવી અને કોઈ શંકાસ્પદ ઘટના જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવી હિતાવહ છે.
