
શહેરના સોલા વિસ્તારમાં વૃદ્ધ દંપતીની હત્યાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં પૂર્વ વિસ્તાર વસ્ત્રાલમાં ભાડૂઆતે દુકાનના માલિકની ઘાતકી હત્યા કરતા સનસનાટી મચી ગઈ. વસ્ત્રાલમાં ભાડે આપેલી દુકાનનું 5 મહિનાનું બાકી ભાડુ લેવા માટે ગયેલા દુકાન માલિકની ભાડૂઆતે જ કરપીણ હત્યા કરી હતી. હાલમાં રામોલ પોલીસે હત્યા કરનાર ભાડૂઆતની ધરપકડ કરી છે અને આ હત્યા કાવતરૂ રચીને કરાઈ હોવાની શંકાને આધારે પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરી છે.
ગલ્લો ચલાવતો ભાડૂઆત માલિક માટે બન્યો ‘યમરાજ’
વસ્ત્રાલમાં આવેલા વેદશ્રી રેસિડેન્સી એન્ડ શોપિંગ સેન્ટરના ગ્રાઉન્ડ ફલોરમાં આવેલા યમરાજ પાન પાર્લરમાં 69 વર્ષના બિપીન પ્રજાપતી નામના વૃદ્ધનો હત્યા કરાયેલો મૃતદેહ મળતા સનસનાટી મચી ગઈ હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ કરતા હત્યા ભાડૂઆતે કરી હોવાનું ખુલતા પોલીસે ભાડૂઆત હિતેન્દ્રસિંહ દરબારની ધરપકડ કરી છે.
ભાડૂઆતે દુકાન માલિકની કરી હત્યા
ઘટનાની વાત કરીએ તો મૃતક બિપીનભાઈ પ્રજાપતીએ પોતાની દુકાન દશરથ ઠાકોર નામના વ્યકિતને રૂ.17 હજારના ભાડા પેટે આપી હતી. પરંતુ દશરથ ઘણા સમયથી ભાડુ ચુકવતો નહોતો. દશરથ ઠાકોરને ભાડા પેટે રૂ.50 હજાર ચુકવવાના બાકી હતી. જેને આપવા માટે શુક્રવારે બિપીનભાઈને બોલાવ્યા હતા. બિપીનભાઈ ઘરેથી દુકાને આવ્યા પરંતુ તેમનો મોબાઈલ બંધ આવતા પરિવારને શંકા ગઈ અને તેઓએ દુકાને જઈ તપાસ કરતા તેમનો હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો.
ભાડુ વસૂલવા માટે દુકાને ગયા હતા વૃદ્ધ
પોલીસ તપાસમાં સામે આવ્યું કે વસ્ત્રાલના સુમીનપાર્કમાં રહેતા આરોપી હિતેન્દ્રસિંહે દશરથ ઠાકોર પાસેથી આ દુકાન ભાડે લીધી હતી. જયારે બિપીન પ્રજાપતીએ પોતાની દુકાન દશરથ ઠાકોરને ભાડે આપી હતી. ભાડુ નહીં ચુકવતા બિપીનભાઈ ઉઘરાણી કરતા હતા. આ દરમિયાન થયેલી બોલાચાલીમાં ઉશ્કેરાઈને હિતેન્દ્રસિંહ દરબારે તેમને માથા અને છાતીના ભાગે તિક્ષ્ણ હથિયારથી હુમલો કરીને હત્યા કરી દીધી હતી. પોલીસે બાતમી અને કોલ લોકેશનના આધારે ગણતરીની કલાકોમાં આરોપીને ઝડપી લીધો હતો. આ હત્યામાં અન્ય કોઈ વ્યકિતની સંડોવણી છે કે નહીં તે મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી.
સોલામાં વૃદ્ધ દંપતિની ઘાતકી હત્યાનો બનાવ
નોંધનીય છે કે શુક્રવારે જ શહેરના સોલા વિસ્તારમાં શાંતિવન પેલેસના વૈભવી બંગલોમાં રહેતા બે સિનિયર સિટિઝન એવા અશોક પટેલ અને જ્યોત્સના પટેલ નામના દંપતીની ઘાતકી હત્યા કરી દેવામાં આવી હતી. શુક્રવારે સવારે બનેલી આ ઘટનામાં પોલીસે હાલ ચોરી કે લૂંટના ઈરાદે હત્યા કરાયાની શંકાથી પ્રાથમિક તપાસ શરૂ કરી હતી. આ કેસમાં જાણભેદુ શખસોએ હત્યા કરી હોવાની આશંકાઓ સેવાઈ રહી છે. આ હત્યા મામલે સ્થાનિક પોલીસ અને અન્ય એજન્સી દ્વારા આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી.