ડીસામાં મનરેગા જેવું રેનબસેરા કૌભાંડ

ડીસામાં મનરેગા જેવું રેનબસેરા કૌભાંડ:10માંથી મોટા ભાગના માત્ર કાગળ પર છતાં 36 લાખની રકમ ચૂકવાઈ; TDOએ તપાસ શરૂ કરી, 4 દિવસમાં રિપોર્ટ સોંપશે

ડીસા શહેરમાં જિલ્લા આયોજન મંડળની ગ્રાન્ટમાંથી વર્ષ 2019 થી વર્ષ 2023-24ના સમયગાળામાં મંજૂર થયેલા 10 રેનબસેરા પૈકી એકપણ બન્યા ન હોવા છતાં આશરે 36 લાખ રૂપિયાની રકમ ચૂકવી દેવાઈ હોવાનું કૌભાંડ બહાર આવ્યું છે. જેને લઇ તંત્ર હરકતમાં આવ્યું છે. જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ડીસાના તાલુકા વિકાસ અધિકારી (TDO) જય ચૌધરીને આ મામલે તપાસનો આદેશ આપવામાં અવ્યો છે. તાલુકા વિકાસ અધિકારી અને તેમની ટીમ આગામી ચાર દિવસમાં તપાસ કરી DDOને રિપોર્ટ સોંપશે.

વર્ષ 2024માં ચીફ ઓફિસરને અમલીકરણ અધિકારી બનાવાયા હતા

આ અંગેની વિગતો એવી છે કે, રાજ્ય સરકાર દ્વારા ગરીબ, મજૂર અને યાત્રાળુઓ માટે રેનબસેરા બનાવવાની યોજના અમલમાં મુકવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લામાં રેનબસેરાને જિલ્લા આયોજન મંડળની ગ્રાન્ટમાંથી મંજૂરી મળી હતી. આ યોજનામાં વર્ષ 2019 થી વર્ષ 2022-23માં યોજનાના અમલીકરણ અધિકારી તરીકે તાલુકા વિકાસ અધિકારીની નિમણૂક કરવામાં આવી હતી, જ્યારે વર્ષ 2024માં બનેલા રેનબસેરા માટે ચીફ ઓફિસરને અમલીકરણ અધિકારી બનાવાયા હતા.

ગ્રાન્ટનો હેતુફેર કરી સેડ બનાવી દેવાયા

જોકે એક આરટીઆઇમાં તપાસ કરતા જાણવા મળ્યું કે, દર્શાવેલા સ્થળોએ ક્યાંય પણ રેનબસેરા બનાવવામાં આવ્યા નથી. કેટલીક જગ્યાએ ગ્રાન્ટનો હેતુફેર કરી સેડ બનાવી દેવાયા છે. તેમ છતાં, 10 રેનબસેરાના અંદાજિત 36 લાખ રૂપિયા બારોબાર ચૂકવી દેવામાં આવ્યા હતા.

જિલ્લા વિકાસ અધિકારીએ તાલુકા વિકાસ અધિકારીને તપાસના આદેશ આપ્યા

આ કૌભાંડ જાહેર થતાં જ તંત્ર હરકતમાં આવ્યું હતું. જે બાબતે જિલ્લા વિકાસ અધિકારીની સૂચનાથી ડીસા તાલુકા વિકાસ અધિકારી જય ચૌધરીએ તાત્કાલિક તપાસ સમિતિની રચના કરી. આ ટીમને સ્થળ પર જઈને નિરીક્ષણ કરી સત્ય હકીકતનો અહેવાલ રજૂ કરવાનો આદેશ અપાયો છે.

અમારી ટીમ ચાર દિવસમાં રિપોર્ટ રજૂ કરશે : TDO

ટીડીઓ જય ચૌધરીએ જણાવ્યું હતું કે, અમારી તપાસ ટીમ ચાર દિવસમાં સત્ય હકીકત જાણ્યા બાદ જિલ્લામાં રિપોર્ટ રજૂ કરશે. ત્યાર બાદ જો ગ્રાન્ટનો દુરુપયોગ થયો હશે તો જિલ્લાના આદેશ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહીની માગ

આ કૌભાંડને મનરેગા કૌભાંડ જેવું ગણાતાં જિલ્લાભરમાં ચકચાર મચી જવા પામી છે. સ્થાનિકો અને જનતા દ્વારા તત્કાલીન તાલુકા વિકાસ અધિકારી, ચીફ ઓફિસર, એસ.ઓ., એન્જિનિયર સહિત જે પણ કસૂરવાર હોય તે તમામ સામે ફોજદારી ગુનો દાખલ કરવાની ઉગ્ર માગ કરવામાં આવી રહી છે. આ કૌભાંડમાં સંડોવાયેલા તમામ જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી થાય તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.

આ જગ્યા પર રેનબસેરા બનવાના હતા

1: લાલ ચાલી બ્રહ્મ સમાજની વાડી પાસે 2019માં રૂ.5 લાખના ખર્ચે.

2: રેલવે સ્ટેશન પાસે 2022-23માં રૂ.2 લાખના ખર્ચે.

3: દશામાં મંદિર પાસે 2019માં 1.50 લાખના ખર્ચે.

4: સપ્ત ઋષિ બંગ્લોઝ પાસે 2022-23માં રૂ.3 લાખના ખર્ચે.

5: શ્યામ બંગ્લોઝ પાસે 2024માં રૂ.5 લાખના ખર્ચે.

6: શ્યામ બંગ્લોઝ પાસે 2019-20માં રૂ.2 લાખના ખર્ચે.

7: સ્ત્રી સમાજ રિસાલા બજાર પાસે 2019માં રૂ.5 લાખના ખર્ચે.

8ઃ તેરમી નાળા દલિતવાસ વાડી પાસે 2019માં રૂ.5 લાખના ખર્ચે.

9: ડીસા પાટણ હાઈવે છાત્રાલય પાસે 2020માં રૂ.5 લાખના ખર્ચે.

10: તિરુપતિ તિરુમાલા સોસા. શંકરના મંદિર પાસે 2023માં રૂ. 3 લાખનાં ખર્ચે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *