
પોલિસીબજારની IT સિસ્ટમ થઈ હેક : ગ્રાહકોના ડેટા ચોરી અંગે કંપનીએ આપ્યો આ જવાબ
ઈન્શ્યોરન્સ સેક્ટરને ઓનલાઈન લઈ જઈને કાયાપલટ કરનાર કંપની પોલિસીબજાર માટે કપરા ચઢાણ ઘટી જ નથી રહ્યાં. વીમા એગ્રીગેટર કંપની પોલિસી બજારની IT સિસ્ટમ હેક કરવામાં આવી છે. પોલિસી બજારની પેરેન્ટ કંપની PB ફિનટેકે આ અંગે જાતે જ જાણકારી આપી છે. કંપનીએ જણાવ્યું હતું કે પોલિસીબજારને 19 જુલાઈના રોજ તેની IT સિસ્ટમના એક ભાગમાં કેટલીક ખામીઓ વિશે ફરિયાદ મળી હતી જે ગેરકાયદેસર અને અનધિકૃત ઍક્સેસને પાત્ર છે. કંપનીએ કહ્યું કે પોલિસી બજારે આ મામલે સંબંધિત અધિકારીઓનો સંપર્ક કર્યો છે અને કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

કંપનીએ તેના ગ્રાહકોને ખાતરી આપી છે કે તેમના ડેટા સાથે છેડછાડ કરવામાં આવી નથી. કંપનીએ કહ્યું કે અમે વિગતવાર સમીક્ષા હાથ ધરવાની પ્રક્રિયામાં છીએ. અત્યાર સુધીની સમીક્ષામાં જાણવા મળ્યું છે કે ગ્રાહકોના ડેટા સાથે કોઈ ચેડાં થયા નથી. કંપનીએ વધુમાં જણાવ્યું હતું કે પોલિસીબજારે હંમેશા તેની સિસ્ટમ્સની સુરક્ષા અને ગોપનીયતાઅને પ્રાધાન્ય આપ્યું છે અને ગ્રાહકના ડેટાની સુરક્ષા માટે પ્રતિબદ્ધતા દર્શાવી છે.

PB ફિનટેકની માલિકીની ઓનલાઈન વીમા સેવાઓ પ્રદાતા પોલિસી બજાર 15 નવેમ્બર, 2021ના રોજ BSE પર 17.35 ટકાના પ્રીમિયમ સાથે લિસ્ટ થઈ હતી. બજારની તેજી સાથે શેર રૂ. 1470ની ટોચે પહોંચ્યો હતો. જોકે અન્ય ઘણી નવી લિસ્ટેડ કંપનીઓની જેમ તેણે પણ શેરના ભાવમાં ઘટાડાનો સામનો કરવો પડ્યો છે અને હાલમાં તે રૂ. 522 પર ટ્રેડ કરી રહ્યો છે. આ સિવાય અગાઉ પણ કંપનીના શેરના ઘટાડા સિવાય પ્રમોટરોના શેર વેચાણ અને સાથે-સાથે કંપનીમાં ગ્રાહકોના ડેટા ચોરી અને ગેરરીતિ અંગે અનેક સવાલો ઉભા થયા હતા.