PM સર્જિકલ સ્ટ્રાઈકને 10 વર્ષ પૂર્ણ: ‘મન કી બાત’માં PM મોદીએ આતંકવાદ સામે ભારતની નીતિનો કર્યો ઉલ્લેખ

સર્જિકલ સ્ટ્રાઈકને 10 વર્ષ પૂર્ણ: ‘મન કી બાત’માં PM મોદીએ આતંકવાદ સામે ભારતની નીતિનો કર્યો ઉલ્લેખ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ‘મન કી બાત’ના 138મા એપિસોડમાં 2016ની સર્જિકલ સ્ટ્રાઈકને યાદ કરી હતી. સર્જિકલ સ્ટ્રાઈકને 28-29 સપ્ટેમ્બર 2026ના રોજ 10 વર્ષ પૂર્ણ થવાના છે. PM મોદીએ 28-29 સપ્ટેમ્બર 2016ની રાત્રે ભારતીય સેનાએ LoC પાર જઈને પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ સામે કરેલી કાર્યવાહીને ભારતની આતંકવાદ વિરોધી નીતિના સંદર્ભમાં રજૂ કરી હતી.

2016ની સર્જિકલ સ્ટ્રાઈકનો ઉલ્લેખ

PM મોદીએ કહ્યું કે 10 વર્ષ પહેલાં ભારતીય સેનાએ પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. તેમણે જણાવ્યું કે LoCની પેલે પાર જઈને ભારતીય જવાનોએ આતંકવાદ સામે જે કાર્યવાહી કરી હતી, તે સમયે સમગ્ર દુનિયાનું ધ્યાન આ તરફ ગયું હતું.

વડાપ્રધાનના જણાવ્યા મુજબ, સર્જિકલ સ્ટ્રાઈક ભારતે આતંકવાદી હુમલાઓને કારણે લાંબા સમયથી સહન કરેલી પીડા સામે આપેલો નિર્ણાયક પ્રતિસાદ હતો. તેમણે કહ્યું કે આ કાર્યવાહીએ વિશ્વ સમક્ષ ભારતની આતંકવાદ વિરોધી નીતિનું એક નવું ઉદાહરણ રજૂ કર્યું હતું.

બાલાકોટથી ઓપરેશન સિંદૂર સુધીનો ઉલ્લેખ

PM મોદીએ પોતાના સંબોધનમાં છેલ્લા એક દાયકામાં થયેલી કેટલીક મહત્વપૂર્ણ આતંકવાદ વિરોધી કાર્યવાહીઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે બાલાકોટ એર સ્ટ્રાઈકથી લઈને ઓપરેશન સિંદૂર સુધીની કાર્યવાહીઓનો ઉલ્લેખ કરતાં કહ્યું કે ભારતે વારંવાર સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે આતંકવાદ સામે જવાબ આપવામાં આવશે.

PM India ‘ભારત હવે ઝીરો ટોલરન્સની નીતિ સાથે આગળ વધી રહ્યું છે’

વડાપ્રધાને ભૂતકાળના આતંકવાદી હુમલાઓનો ઉલ્લેખ કરતાં કહ્યું કે એક સમય એવો હતો જ્યારે ભારતમાં સિરિયલ બ્લાસ્ટ સામાન્ય ઘટના બની ગયા હતા. તેમણે 13 સપ્ટેમ્બર 2008ના દિલ્હીના સિરિયલ બ્લાસ્ટ અને ત્યારબાદ થયેલા મુંબઈના 26/11 હુમલાને યાદ કર્યા હતા.

PM મોદીએ કહ્યું કે અગાઉ દરેક આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠતી હતી, પરંતુ ઘણી વખત કાર્યવાહી માટે સમય પસાર થવાની રાહ જોવામાં આવતી હતી. તેમના જણાવ્યા મુજબ, “આજનું ભારત આતંકવાદ વિરુદ્ધ ઝીરો ટોલરન્સની નીતિ સાથે આગળ વધી રહ્યું છે.”

PM India 9/11ના 25 વર્ષનો પણ ઉલ્લેખ

PM મોદીએ 2001ના અમેરિકાના 9/11 આતંકવાદી હુમલાને પણ યાદ કર્યો હતો. તેમણે કહ્યું કે વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર થયેલા હુમલામાં અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને તેમાં અમેરિકાના લોકો બાદ સૌથી વધુ ભારતીય નાગરિકો હતા. વડાપ્રધાને પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

‘મન કી બાત’માં અન્ય મુદ્દાઓની પણ ચર્ચા

138મા એપિસોડમાં PM મોદીએ માત્ર આતંકવાદ અંગે જ નહીં, પરંતુ દેશની જનગણના, સ્વર્ગીય અશોક સિંઘલની 100મી જન્મજયંતી, સોમનાથ અને મોઢેરાના ઐતિહાસિક વારસા, પોષણ માસ અને નશામુક્ત યુવા અભિયાન સહિતના વિવિધ મુદ્દાઓ પર પણ વાત કરી હતી. સત્તાવાર માહિતી મુજબ, જનગણનાના પ્રથમ તબક્કામાં 32 કરોડથી વધુ પરિવારોની માહિતી નોંધાઈ ચૂકી હોવાનું પણ PM મોદીએ જણાવ્યું હતું.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *