
કોંગ્રેસના ‘ચાવવાના અને બતાવવાના દાંત અલગ’: CM ભૂપેન્દ્ર પટેલનો SIR મુદ્દે રાહુલ ગાંધી સહિત વિપક્ષ પર પ્રહાર

મતદાર યાદીની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયાને લઈને દેશભરમાં ચાલી રહેલા રાજકીય વિવાદ વચ્ચે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોંગ્રેસ અને વિપક્ષ પર આકરો પ્રહાર કર્યો છે. મુખ્યમંત્રીએ ચૂંટણી પંચની સ્વાયત્તતાનો બચાવ કરતાં વિપક્ષ દ્વારા કરવામાં આવતા આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી છે અને દેશમાં પારદર્શક તથા નિષ્પક્ષ ચૂંટણી પ્રક્રિયા માટે ચૂંટણી પંચને બંધારણીય સ્વાયત્તતા આપવામાં આવી છે. ચૂંટણી પંચ તટસ્થ રીતે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરી રહ્યું હોવા છતાં તેના પર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે.
‘કોંગ્રેસના ચાવવાના અને બતાવવાના દાંત અલગ’
રાહુલ ગાંધી સહિત વિપક્ષના નેતાઓ દ્વારા ચૂંટણી પંચ અને SIR પ્રક્રિયાને લઈને કરવામાં આવી રહેલા આક્ષેપો અંગે મુખ્યમંત્રીએ કોંગ્રેસને આડે હાથ લીધી હતી. તેમણે કહ્યું હતું કે, “કોંગ્રેસના ચાવવાના અને બતાવવાના દાંત હંમેશા અલગ રહ્યા છે.”
ભૂપેન્દ્ર પટેલે વિપક્ષને પોતાના ભૂતકાળના શાસનકાળ અંગે પણ મનોમંથન કરવાની સલાહ આપી હતી. તેમણે પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસ છેલ્લા ઘણા વર્ષોથી સત્તાથી દૂર કેમ છે તે અંગે પણ વિચારવાની વાત કરી હતી.
SIR પ્રક્રિયાથી યોગ્ય મતદારોને મતાધિકારથી વંચિત નહીં રહેવા દેવામાં આવશે
મતદાર યાદીના સુધારા અંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે નવા મતદારોની નોંધણી માટે ફોર્મ-6 મહત્વનું સાધન છે. દેશના વિવિધ રાજ્યો અને વિસ્તારોમાં ચાલી રહેલી SIR પ્રક્રિયાનો હેતુ મતદાર યાદીની સઘન ચકાસણી કરવાનો છે, જેથી કોઈ પણ યોગ્ય નાગરિક પોતાના મતાધિકારથી વંચિત ન રહે.
તેમણે વધુમાં જણાવ્યું કે મુખ્ય ચૂંટણી કમિશનર સહિત ત્રણેય ચૂંટણી કમિશનરોએ ચૂંટણી પંચના નીતિવિષયક નિર્ણયો સર્વાનુમતે લેવામાં આવતા હોવાનું સ્પષ્ટ કર્યું છે.
બંધારણીય સંસ્થાઓ પર વિશ્વાસ રાખવા અપીલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે ચૂંટણી પંચ અને સુપ્રીમ કોર્ટ જેવી બંધારણીય સંસ્થાઓની વિશ્વસનીયતા અંગે વારંવાર સવાલો ઉઠાવવા યોગ્ય નથી. લોકશાહીની મજબૂતી માટે આવી સંસ્થાઓની બંધારણીય ભૂમિકા અને પ્રક્રિયા પર વિશ્વાસ રાખવો જરૂરી છે.
તેમણે આક્ષેપ કર્યો હતો કે માત્ર રાજકીય અસ્તિત્વ જાળવવા માટે બંધારણીય સંસ્થાઓ સામે આંગળી ચીંધવામાં આવી રહી છે. જોકે, મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે દેશની જાગૃત જનતા આવા આક્ષેપોને સ્વીકારશે નહીં.
