ગુજરાતમાં 50 હજાર બેંક કર્મચારીઓની 3 દિવસની હડતાલ, 28થી 30 સપ્ટેમ્બર સુધી બેંકિંગ વ્યવહારોને અસર

ગુજરાતમાં 50 હજાર બેંક કર્મચારીઓની 3 દિવસની હડતાલ, 28થી 30 સપ્ટેમ્બર સુધી બેંકિંગ વ્યવહારોને અસર

દર શનિવારે બેંક રજા રાખવાની માંગ સાથે હડતાલનું એલાન; સૌરાષ્ટ્ર-કચ્છના 10 હજાર કર્મચારીઓ પણ જોડાશે, આજે રવિવારે બેંકો ચાલુ રાખવામાં આવી

અમદાવાદઃ દર શનિવારે બેંકમાં રજા રાખવાની મુખ્ય માંગ સાથે યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU) દ્વારા 28થી 30 સપ્ટેમ્બર, 2026 દરમિયાન ત્રણ દિવસની દેશવ્યાપી હડતાલનું એલાન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં અંદાજે 50 હજાર બેંક કર્મચારીઓ, જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છના આશરે 10 હજાર કર્મચારીઓ હડતાલમાં જોડાશે. હડતાલને કારણે બેંકિંગ સેવાઓ અને કરોડો રૂપિયાના વ્યવહારોને અસર થવાની શક્યતા છે.

હડતાલને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નિર્દેશ મુજબ આજે રવિવાર, 27 સપ્ટેમ્બરે પણ રાષ્ટ્રીયકૃત અને ખાનગી બેંકોમાં કામકાજ ચાલુ રાખવામાં આવ્યું છે, જેથી સતત ત્રણ દિવસની હડતાલ દરમિયાન ગ્રાહકોને થતી મુશ્કેલીમાં થોડો ઘટાડો થઈ શકે.

દર શનિવારે રજાની મુખ્ય માંગ

ગુજરાત બેંક વર્કર્સ યુનિયનના પ્રમુખ નરેન્દ્ર દવેના જણાવ્યા મુજબ, બેંક કર્મચારીઓના સાત સંગઠનોના બનેલા યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ દ્વારા 28થી 30 સપ્ટેમ્બર સુધી હડતાલનું એલાન આપવામાં આવ્યું છે. કર્મચારી સંગઠનોની મુખ્ય માંગ મહિનાના ચારેય શનિવારે બેંકમાં રજા રાખવાની છે.

યુનિયનના જણાવ્યા પ્રમાણે, 2015માં ચાર શનિવારે રજાની માંગ બાદ સરકારની મંજૂરીથી મહિનાના બીજા અને ચોથા શનિવારે બેંકોમાં રજા રાખવાનો નિર્ણય લેવાયો હતો. ત્યારબાદ 2020માં ફરી ચારેય શનિવારે રજાની માંગ કરવામાં આવી હતી.

40 મિનિટ વધારાના કામનો પ્રસ્તાવ

યુનિયનનો દાવો છે કે 12મા દ્વિપક્ષીય કરાર દરમિયાન ચારેય શનિવારે રજા આપવા અંગે ચર્ચા થઈ હતી. તેના બદલામાં કર્મચારીઓ અઠવાડિયાના અન્ય દિવસોમાં દરરોજ 40 મિનિટ વધારાનું કામ કરવા તૈયાર હોવાનું જણાવાયું હતું. આ અંગેનો પ્રસ્તાવ સરકાર સમક્ષ મૂકવામાં આવ્યો હોવા છતાં હજુ સુધી કોઈ સ્પષ્ટ નિર્ણય લેવામાં આવ્યો નથી.

યુનિયનના જણાવ્યા પ્રમાણે, 22 સપ્ટેમ્બર, 2026ના રોજ સમાધાનકાર સમક્ષ થયેલી વાટાઘાટમાં પણ આ મુદ્દે ચર્ચા થઈ હતી. જો સરકાર ચોક્કસ સમયમર્યાદામાં ચાર શનિવારે રજાનો નિર્ણય લેવા તૈયાર થાય તો હડતાલ મુલતવી રાખવાની તૈયારી દર્શાવવામાં આવી હતી, પરંતુ કોઈ સ્પષ્ટ નિર્ણય ન આવતા હડતાલ યથાવત રાખવામાં આવી છે.

ગ્રાહકોને ચેક ક્લિયરન્સ અને ડિપોઝિટની ચિંતા

હડતાલને કારણે ચેક ક્લિયરન્સ, રોકડ જમા-ઉપાડ, ડિપોઝિટની પાકતી તારીખ સહિતની સેવાઓને અસર થવાની ચિંતા ગ્રાહકોમાં જોવા મળી રહી છે. LICના નિવૃત મેનેજર અશોક પાઉંએ જણાવ્યું હતું કે હડતાલ બાદ એકસાથે મોટી સંખ્યામાં ગ્રાહકો બેંકોમાં આવશે તો મુશ્કેલી ઊભી થઈ શકે છે. ખાસ કરીને ડ્યૂ ડેટના ચેક ક્લિયર ન થવાથી ગ્રાહકોને નુકસાન થાય તો તેની જવાબદારી કોણ લેશે તેવો સવાલ પણ તેમણે ઉઠાવ્યો હતો.

રાજકોટ મનપાના પૂર્વ મ્યુનિસિપલ સેક્રેટરી સી.એન. રાણપરાએ હડતાલ સામે વાંધો વ્યક્ત કરતાં જણાવ્યું કે બેંકિંગની ઘણી સેવાઓ હવે ઓનલાઈન થઈ ગઈ હોવાથી ગ્રાહકોને વધુ સુવિધા મળે તે જરૂરી છે. તેમણે બીજા અને ચોથા શનિવારની હાલની રજા અંગે પણ પ્રશ્ન ઉઠાવીને માત્ર રવિવારે રજા રાખવાની વાત કરી હતી.

બીજી તરફ, બેંક કર્મચારી સંગઠનોનું કહેવું છે કે પાંચ દિવસના બેંકિંગ સપ્તાહ અંગેનો મુદ્દો લાંબા સમયથી સરકાર સમક્ષ પેન્ડિંગ છે અને કર્મચારીઓની માંગ અંગે સ્પષ્ટ નિર્ણય લેવામાં આવ્યો નથી.

હડતાલ બદલ યુનિયનની ગ્રાહકો પાસે માફી

યુનિયને જણાવ્યું છે કે 27 સપ્ટેમ્બરના રવિવારે બેંકો ચાલુ રાખવા માટે કર્મચારીઓને પણ કામ કરવાની સૂચના આપવામાં આવી છે. 28, 29 અને 30 સપ્ટેમ્બરની હડતાલને કારણે સામાન્ય લોકોને થોડી મુશ્કેલી પડે તો તે બદલ યુનિયને ગ્રાહકો સમક્ષ ક્ષમા માગી છે.

28થી 30 સપ્ટેમ્બર દરમિયાન બેંકિંગ સેવાઓ પર અસર થવાની શક્યતા હોવાથી ગ્રાહકો માટે જરૂરી રોકડ ઉપાડ, ચેક અને અન્ય મહત્વપૂર્ણ બેંકિંગ કામ હડતાલ પહેલાં પૂર્ણ કરવું ઉપયોગી રહેશે.

વધુ સમાચાર માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *